શીલવાન….


જરૂર છે શીલરૂપ ચારિત્રની

કોઈ તને ટૈડકાવે તો તું ઉગ્ર થઈ જાઉંને ?
પ્રશ્નકર્તા : હા, થઈ જાઉં છું.
દાદાશ્રી : તો એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય ?
પ્રશ્નકર્તા : બેઉ કહેવાય.
દાદાશ્રી : ના, ના, એ તો નબળાઈ જ કહેવાય.
પ્રશ્નકર્તા : કો’ક જગ્યાએ તો ક્રોધ હોવો જ જોઈએ ને !
દાદાશ્રી : ના, ના, ક્રોધ એ તો પોતે જ નબળાઈ છે. અમુક જગ્યાએ ક્રોધ હોવો જોઈએ, એ તો સંસારી વાત છે. આ તો પોતાનાથી ક્રોધ નીકળતો નથી એટલે એવું બોલે કે ક્રોધ હોવો જ જોઈએ. જેની પાસે ક્રોધ છે, એ ક્રોધના તાપથી સામાને વશ કરવા જાય છે અને જેની પાસે ક્રોધ નથી, એ શીલ નામના ચારિત્રથી બધાને વશ કરી શકે છે. જાનવર પણ એનાથી વશ થાય !
 
હિમ સમાન છે શીલનો તાપ
તને ખબર છે, હિમ પડે છે તે ? હવે હિમ એટલે બહુ જ ઠંડી હોયને ? તે હિમથી ઝાડવા બળી જાય, બધો કપાસ, ઘાસ બધું જ બળી જાય. એવું તું જાણે છે કે ? એ શાથી ઠંડીમાં બળી જતું હશે ?
પ્રશ્નકર્તા : ‘ઓવર લિમિટ’ ઠંડીને લીધે.
દાદાશ્રી : હા, એટલે જો તું ઠંડો થઈને રહે તો એવું શીલ ઉત્પન્ન થાય. વળી, ઉગ્રતા એ તો નબળાઈ જ છે ને.
પ્રશ્નકર્તા : હવે આ છોકરાઓ કંઈક તોફાન કરે ત્યાં આગળ ગુસ્સો કરવો હોય તો થતો નથી.
દાદાશ્રી : ના, પણ કરવાની જરૂર જ નહીંને ! ગુસ્સો જ્યારે નહીં કરો ત્યારે તમારો તાપ વધશે. આ હું ગુસ્સો ના કરું તો મારો તાપ એટલો બધો લાગે, મારા નજીકમાં રહેનારા બધાને તાપ સખત લાગે અને ગુસ્સો એ તો નબળાઈ છે ઉઘાડી. ખાલી એમ ને એમ જ તાપ લાગે એવો છે. ગુસ્સો કરવાની જરૂર જ ના હોય, તાપ જ લાગે છે એમને.
 
ક્રોધ હોય ત્યાં હજી લીકેજ થઈ ગયું એટલે યૂઝલેસ થઈ જાય છે અને બહુ ક્રોધ થાય ત્યાં માણસ સાવ ખલાસ જ થઈ જાય. ક્રોધિત થાય તે તો આમ આમ હલે હઉ. એ કેટલી બધી નિર્બળતા કહેવાય ? અને ભગવાન મહાવીર કેવા હશે ? આમ પેલો મારે, ગાળો દે તોય કંઈ નહીં ! આપણે એવું જોઈને (એવા) થઈ જવાનું છે.
 
સહનશીલતા એ જ બળવાનપણું
પ્રશ્નકર્તા : પણ દાદા, વધારે પડતું ઠંડા થવું એ પણ એક નબળાઈ જ છે ને ?
દાદાશ્રી : વધારે પડતા ઠંડા થવાની જરૂર જ નથી. આપણે તો લિમિટમાં રહેવાનું છે, એને ‘નોર્માલિટી’ કહે છે. બિલો નોર્મલ ઈઝ ધી ફીવર, એબાવ નોર્મલ ઈઝ ધી ફીવર, નાઈન્ટી એઈટ ઈઝ ધી નોર્મલ. એટલે આપણને નોર્માલિટી જ જોઈએ.
પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું તો એ નિર્બળતા ના કહેવાય ?
દાદાશ્રી : ના. ઓહોહો ! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય. અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય. એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચકચ કર્યા જ કરે છે ને ! જીવમાત્ર લડંલડા કર્યા કરે છે. એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગેને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયુંને ?
 
સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે. એ તો એનો સ્વાભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તોય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય.
 
મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં, પોતાનાં દુશ્મનને પણ રંજાડે નહીં, એનું નામ બળવાનપણું કહેવાય છે. અત્યારે કોઈ તમારી ઉપર ગુસ્સે થતો હોય ને તમે તેના પર ગુસ્સે થાવ તો તે બાયલાપણું ના કહેવાય ? એટલે મારું શું કહેવાનું કે આ ક્રોધ-માન-માયા-લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી ? પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઈ હશે ખરુંને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે, એનાથી જાનવરો પણ વશ થઈ જાય. વાઘ-સિંહ, દુશ્મનો બધા, આખું લશ્કર વશ થઈ જાય !
 
જગતનો ફેરફાર થાય, શીલવાનના નિમિત્તે
પ્રશ્નકર્તા : આપણે અહીં જે વિજ્ઞાનની રીતે ચર્ચાઓ થાય છે, એમાં એટલો ફેર ચોક્કસ પડ્યો છે કે સામા માણસો ગમે એમ વર્તન કરતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે આનો કંઈ જવાબ આપવા જેવો નથી.
દાદાશ્રી : હવે એથી આગળ સમજવાનું છે. આ વિજ્ઞાનનું ફળ એથી આગળ જાણવાનું છે. આ તમે જે વાડ બાંધો છો, તે વાડ બાંધ્યા પછી જે ચોરીઓ ના થાય, એ વાડ વગર પણ ચોરીઓ ના થાય, એવું આ વિજ્ઞાન છે. અને વાડ બાંધ્યા પછી તો સાચવવા માટે માણસો રાખવા પડે. એટલે તમને જે આમ મારું અપમાન ન કરી શકે એવો જે ભાવ છે, તેથી તમે વાડ બાંધીને રક્ષણ કરો છો. હવે વાડ બાંધીને રક્ષણ કરનારો હોય એનો જેટલો તાપ સામાને લાગે છે, એના કરતા જે રક્ષણ નથી કરતો એનો ભયંકર શીતળ તાપ હોય. મોટા મોટા બહારવટિયા પણ પાણી પાણી થઈ જાય ! શીલવાનનો તાપ ! સૂર્યનારાયણનોય તાપ ના હોય એવો તાપ.
 
Amreli-Pranpratishtha-2015-31
Niruma-PremSwarup

દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.

સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.

 

!!! જય સચ્ચિદાનંદ !!!

Advertisements

અક્રમ વિજ્ઞાન – એકાવતારી…..


મોક્ષપ્રાપ્તિનો સરળ ઉપાય

પ્રશ્નકર્તા : આપણને જીવનમાં સમભાવ કેમનો આવે અને મનમાં શાંતિ કેવી રીતના રહે ?

દાદાશ્રી : મનની શાંતિ, સમભાવ જોઈતા હોય, તો એક ફેરો અમને કહી દેવાનું કે સાહેબ, મોક્ષમાર્ગ અમને આપો. એટલે સમભાવ ઉત્પન્ન થાય, મનની શાંતિ ઉત્પન્ન થાય. મનની શાંતિ જાય નહીં પછી.

પ્રશ્નકર્તા : એના માટે કરવું શું ?

દાદાશ્રી : કરવાનું કશુંય નહીં. અહીં આવીને મને કહેવાનું ફક્ત. કશું કરવાથી તો કર્મ બંધાશે. જે જે કરવા જશોને, તેનાથી કર્મ બંધાશે. તમારે કર્મ બાંધવા છે કે છોડવા છે ?

પ્રશ્નકર્તા : છોડવા માટે તો તમારી પાસે આવ્યા છીએ.

દાદાશ્રી : તે છોડવા આવ્યા છો તે અમને કહી દો એક ફેરો કે સાહેબ, મોક્ષમાર્ગ આપો અમને. અને અમારે મોક્ષે જ જવું છે, એક અવતાર કે બે અવતારમાં પણ મોક્ષે જવું છે. અમારે હવે અહીં નથી ફાવતું. અહીં પોષાતું ના હોય તો કહી દો અને પોષાતું હોય તો દેવગતિ માંગી લો. એ રસ્તો દેખાડી દઉ.

‘અક્રમ વિજ્ઞાન’, અગિયારમું આશ્ચર્ય

(અક્રમ વિજ્ઞાન) વર્લ્ડનું અગિયારમું આશ્ચર્ય છે ! મહાવીર ભગવાન સુધી દસ થઈ ગયા છે, આ અગિયારમું આશ્ચર્ય છે. એક કલાકમાં પરમેનન્ટ (કાયમી) શાંતિ અને એક અવતાર પછી મોક્ષ થાય.

અહીંથી જ મુક્તિ થઈ જવી જોઈએ. અહીં મુક્ત ના થાય તો કામનું નથી. અહીં આપણને એમ લાગવું જોઈએ કે દાદાજી, હું મુક્ત થઈ ગયો છું. મુક્તપણાનું ભાન રહેવું જોઈએ નિરંતર. તો આ જ્ઞાન વિજ્ઞાન કહેવાય. જનક વિદેહી થઈ ગયાને એના કરતા ઊંચી દશા હોય. ત્યારે આ વિજ્ઞાન કહેવાય. જનકવિદેહી ક્રમિક વિજ્ઞાનમાં હતા, સ્ટેપ બાય સ્ટેપ અને આ અક્રમ એટલે લિફ્ટ, લિફ્ટ વિજ્ઞાન છે.

આજ્ઞા આરાધનથી એકાવતારી મોક્ષ

‘અક્રમ વિજ્ઞાન’ છે. જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે. તમે ડૉક્ટરની લાઈન કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે.

જો મારી આજ્ઞામાં રહેને તો કોઈ જાતની હરકત આવે નહીં અને એક-બે અવતારમાં મોક્ષે લઈ જશે. કારણ કે આ જ્ઞાન આપીએ છીએ ને તેની આજ્ઞા પાળો છો એટલા જ પુણ્ય કર્મ બંધાય તેય એકલા પુણ્યના. તે તો ભોગવવું જ પડેને ? છૂટકો છે ? પણ મોક્ષે લઈ જશે અને અહીં જ મોક્ષ થઈ જશે. જનક વિદેહી જેવો મોક્ષ થઈ જશે પણ અમારી આજ્ઞા પાળજો.

પ્રશ્નકર્તા : એ આજ્ઞા પૂરેપૂરી પાળવાથી જ શાંતિ રહેને ?

દાદાશ્રી : ના, થોડી ઓછી-વત્તી પળાય તોય વાંધો નથી. એય માફ કરાવી દેવડાવીશ. એટલે જ આ છોકરા-બોકરા બધાને રહે, એકે-એક માણસને, કોઈ દા’ડો અશાંતિ, ચિંતા કશુંય થાય નહીં. કારણ કે આ વીતરાગોનું વિજ્ઞાન છે, ચોવીસ તીર્થંકરોનું.

‘જ્ઞાની પુરુષ’ ‘રિયલ’ અને ‘રિલેટિવ’ની લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપે, ત્યાર પછી આત્મા પોતાના સ્વાભાવિક ધર્મમાં આવે. પોતાના સ્વાભાવિક ધર્મમાં આવ્યા પછી કશું રહેતું નથી. પછી એક અવતારમાં જ મોક્ષમાં જાય.

અને જગત આખું એમાં જ બધું ફસાયેલું છે. એક્યુરેટ ડિમાર્કેશન લાઈન (ચોક્કસ ભેદરેખા) પડતી જ નથી ને ફસાઈ ગયું છે. ઝઘડા એના જતા નથી. રિલેટિવ-રિયલના ઝઘડા જતા નથી. એટલે આત્મા પ્રાપ્ત થતો નથી.

એટલે આ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસે સમજવાની જરૂર છે. નહીં તો અનંત અવતારથી ભટકે છે, ભટકવામાં બાકી રાખ્યું નથી. પણ સેન્ટ્રલ સ્ટેશન આવ્યું નથી. અહીં ‘જ્ઞાની પુરુષ’ મળ્યા એટલે છેલ્લું સ્ટેશન આવી ગયું.

ચિંતારહિત પદ અક્રમજ્ઞાને

(આ જ્ઞાન લીધા પછી) શુદ્ધાત્માનું લક્ષ આખો દહાડો રહે છે ને હવે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : પછી ચિંતા થાય છે ?

પ્રશ્નકર્તા : ચિંતા કોઈ એવો પ્રસંગ આવી જાય તો થાય, પણ પહેલાના કરતા ઘણું ઓછું થઈ ગયું છે.

દાદાશ્રી : એ ચિંતા ના કહેવાય. ચિંતા થાય તો જ્ઞાન ઊભું જ ના રહે. જ્યાં જ્ઞાન ત્યાં ચિંતા નહીં, ચિંતા ત્યાં જ્ઞાન નહીં. એ સફોકેશન થાય.

ક્રમિક માર્ગમાં તો ચિંતા ઠેઠ છેલ્લે સુધી ના જાય, કર્તાપદ ખરુંને ! અને હવે તમારે તો ચિંતા ના થાય. એ ભગવાન પદ કહેવાય. હા, મોટા મોટા સંતોને, સાધુઓને, ક્રમિક માર્ગના જ્ઞાનીઓનેય ચિંતા હોય. (તમને) અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય, તો તમારું ચિંતારહિત પદ, એ તમે જ માપ કાઢોને કેટલા ટકા આયા તે ! જુઓ પહેલેથી તમારાથી માપ કઢાય કે ના કઢાય ?

એક ચિંતા થાય તો મેં કહ્યું, મારી પર બે લાખ રૂપિયાનો દાવો માંડજો. પછી આથી વધારે શું માંગે ? શી રીતે ચિંતા થાય, કર્મ જ બાંધે નહીં ત્યાં આગળ ?

ક્રમિક માર્ગ એવો હતો કે ઠેઠ સુધી પરિગ્રહ ઓછા જેટલા કરે એટલી ચિંતા ઓછી. એમ કરતા કરતા સંપૂર્ણ પરિગ્રહ બંધ થઇ ગયો. પરિગ્રહ એટલે આ બહારનો નહીં, પાછા અંદર ક્રોધ-માન-માયા-લોભના પરમાણુ જેટલા ધારણ કરેલા છે એય પરિગ્રહ છે, જે હજુ કાઢવાના. કાઢવાનું એ બધુંય પરિગ્રહ કહેવાય. જે શુદ્ધ કરવાનું ને અશુદ્ધિ જે મહીં ભરાઇ રહેલી છે એય પણ પરિગ્રહ. તે ઠેઠ સુધી આ પરિગ્રહ રહેવાનો. અને તે ઠેઠ સુધી ચિંતા. આ તો અક્રમ વિજ્ઞાનના ધનભાગ છે કે લહેર તો છે જ, હઉ થશે. આગળ જોઇ લેવાશે.

Janmashtami-2014-17

દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.

સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.

!!! જય સચ્ચિદાનંદ !!!

Invitation to 106th Janma Jayanti, BHARUCH….


પ્રિય આત્માર્થી,

 
             આ કળીકાળનાં આશ્ચર્ય સમ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનનો ૧૦૬મો જન્મજયંતી મહોત્સવ ભરૂચ શહેરમાં પૂજ્ય નીરુમાના સહાધ્યાયી, આત્મજ્ઞાની પૂજ્ય દિપકભાઈના સાંનિધ્યમાં તા. ૧૩ થી ૧૭ નવેમ્બર દરમ્યાન ભવ્ય રીતે ઉજવાશે.
 
               આ મહોત્સવ દરમ્યાન આપના અધ્યાત્મ તથા વ્યવહારિક બાબતોને લગતા પ્રશ્નોના સમાધાન માટે પ્રશ્નોત્તરી સત્સંગ, જન્મજયંતી ઉજવણી તથા પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રારંભ થયેલ આત્માની અનુભૂતિ કરાવતો આત્મસાક્ષાત્કાર પામવાનો અદભૂત જ્ઞાન પ્રયોગ – જ્ઞાનવિધિયોજવામાં આવેલ છે.
 
             સાથે સાથે પરમ પૂજ્ય દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન પર આધારિત જ્ઞાનવર્ધક મુલ્ટીમિડીયા પ્રદર્શનો તથા ચિલ્ડ્રનપાર્કમાં બાળકો માટે એમને સમજાય અને ગમે એવાં સુંદર કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે.
 
         આ અપૂર્વ અવસરને માણવાનો લ્હાવો લેવા જરૂરથી સહકુટુંબ પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે. !! જય સચ્ચિદાનંદ !!

શ્રી સીમંધર સ્વામીની પરમતારકપ્રભાવલી…….


Simandhar Swami3

Simandhar Swami3 (Photo credit: Wikipedia)

Simandhar Swami2

Simandhar Swami2 (Photo credit: Wikipedia)

                                                   
વર્તમાને મહાવિદેહ ક્ષેત્રે વિહરમાન અરિહંતપરમાત્મા 
શ્રી સીમંધર સ્વામીની પરમતારકપ્રભાવલી
દેહ્પ્રમાણ : ૫૦૦
ધનુષ્ય ક્ષેત્ર : પૂર્વમહાવિદેદેહ
વર્ણ : કંચન
વિજય : પુષ્કલાવતી
લાંછન : વૃષભ
પાટનગર : પુંડરીકિણી
પિતા : શ્રેયાન્સરાય
માતા : સત્યકીમાં
મેરુપર્વત : સુદર્શન
દિશા : ઉત્તર-પૂર્વ (ઇશાન)
સહધર્મિણી : રુક્મિણિદેવી
ગ્રુહવાસ : ૮૩ લાખપૂર્વ
દ્વિપ : જંબુ
છદ્મસ્થપર્યાય : ૧૦૦૦વર્ષ
|  કલ્યાણક  | 
૧. ચ્યવન : અષાઢ વદ પાંચમ
૨. જન્મ : ચૈત્ર વદ દશમ
(ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના કુન્થુનાથ અને અરહનાથના આંતરામાં)
૩. દીક્ષા : ફાગણ સુદ ત્રીજ
(દીક્ષા વ્રુક્ષ : અશોક
૪. કેવળજ્ઞાન : ચૈત્ર સુદ 13
૫. મોક્ષ (નિર્વાણ) : શ્રાવણ સુદ 13
(ભરત ક્ષેત્રની આવતી ચોવીસીના ઉદયનાથ અને પેઢાલનાથનાં આંતરામાં         
નિર્વાણ હવે પછી સુદૂરના ભાવિમાં થશે.)
શાસન યક્ષદેવ : શ્રી ચાંદ્રાયણ દેવ
શાસન યક્ષિણીદેવી : શ્રી પાંચાગુલિ દેવી
 |  ધર્મ પરિવાર  |
ગણધર : ૮૪
સાધ્વી : એક અબજ
કેવળજ્ઞાની ભગવંતો : ૧૦ લાખ
શ્રાવક : નવ અબજ
સાધુ : એક અબજ
શ્રાવિકા : નવ અબજ
શ્રી સીમંધર સ્વામી અરિહંત પરમાત્માના ચોત્રીસ અતિશયો
સઘળાય તીર્થંકર ભગવંતોને ચોત્રીસ અતિશય હોય છે. હાલ મહવિદેહક્ષેત્રમાં વિચરતા વર્તમાન અરિહંત પરમાત્મા શ્રી સીમંધર સ્વામીને પણ આ ચોત્રેસે અતિશયો વર્તનામાં છે. આમાંથી ચાર અતિશય ભગવંત ને જન્મથી જ હોય છે, અગિયાર અતિશયો કેવળજ્ઞાનથી હોય છે તથા ઓગણીસ અતિશયો દેવો કરે છે.
ચાર સહજ અતિશયો
[૧]     ભગવંતનું રૂપ જન્મથી અદભુત હોય છે, શરીર સુગંધી તથા રોગ, પ્રસ્વેદ (પરસેવો) અને મેલથી રહિત હોય છે.

[૨]     ભગવંતનો શ્વાસોચ્છવાસ જન્મથી જ કમલ સમાન સુગંધી હોય છે.

[૩]     ભગવંતના રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધની ધારા જેવાં ધવલ અને દુર્ગંધ વિનાનાં હોય છે.

[૪]     ભગવંતની આહાર અને નિહાર (શૌચ) ની ક્રિયા જન્મથી જ અદ્શ્ય હોય છે. (અવધિજ્ઞાની આદિ વિના તેને કોઇ પણ જોઇ ન શકે.)
અગિયાર કર્મક્ષયજ અતિશયો આ રીતે છે…
[૫]       ભગવંતના સમવસરણમાં યોજન માત્ર ક્ષેત્રમાં મનુષ્યો, દેવો અને તિર્યંચો કોડા-કોડીની સંખ્યામાં સમાઇ જાય છે, છતાં કોઇ પણ જાતની બાધા (સંકડાશ વગેરે) વિના સુખેથી ભગવંતની વાણી સાંભળી શકે છે.

[૬]       ભગવંતની વાણી સર્વભાષાઓમાં પરિણમનારી હોવાથી બધાં જીવો પોત-પોતાની ભષામાં સાંભળે છે, તે વાણી એક યોજન સુધી સંભળાય તેવી હોય છે.

[૭] ભગવંતના મસ્તકની પાછ્ળ તેજમાં સૂર્યની શોભને પણ જીતતું દેદીપ્યમાન ભમંડલ-તેજોવર્તુલ હોય છે.

[૮] ભગવંતની ચારે બાજુ સવાસો યોજન પ્રમાણ ભૂમિમાં કોઇ પણ પ્રકારના રોગ ન હોય.

[૯] ભગવંતની ચારે બાજુ સવાસો યોજન પ્રમાણ ભૂમિમાં પરસ્પારના વિરોધ રૂપ વૈર ન હોય.

[૧૦] ભગવંતની આસપાસ ચારે બાજુ સવાસો યોજનમાં ઇતિધાન્ય વગેરે ઉપદ્રવને કરનારા ઉંદર આદિ પ્રાણીઓના સમૂહો ન હોય.

[૧૧] ભગવંતની આસપાસ સવાસો યોજનમાં મારી-મરકી વગેરે રોગોના કારણે લોકોમાં વિપુલ પ્રમાણમાં મરણ ન હોય.

[૧૨] ભગવંતની આસપાસ સવાસો યોજનમાં અતિવ્રૂષ્ટિ (નિરંતર વર્ષા) ન હોય.

[૧૩] ભગવંતની આસપાસ સવાસો યોજનમાં અનાવ્રૂષ્ટિ (સંપૂર્ણ રીતે વરસાદનો અભાવ) ન હોય.

[૧૪] ભગવંતની આસપાસ સવાસો યોજનમાં દુર્ભિક્ષ (દુષ્કાળ) ન હોય.

[૧૫] ભગવંતની આસપાસ સવાસો યોજનમાં સ્વરાષ્ટ્રથી (બળવો) અને પરરાષ્ટ્રથી (યુધ્ધ) ભય ન હોય.
દેવક્રુત ઓગણીસ અતિશયો
[૧૬] ભગવંતની આગળ આકાશમાં દેદીપ્યમાન ધર્મચક્ર હોય છે.

[૧૭] ભગવંત જ્યારે ચાલતા હોય ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરો ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તેમની બન્ને બાજુ દેવતાઓ ચામર વીંઝતા હોય છે.

[૧૮] ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રત્નનું સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત બેસે ત્યારે સિંહાસન ભગવંતને બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઇ જાય છે.

[૧૯] ભગવંત જ્યારે ચાલતા હોય ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તક ઉપર થોડેક દૂર સમૂચિત સ્થાને ગોઠવાઇ જાય છે.

[૨૦] ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમની આગળ જમીનથી અધ્ધર રત્નધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) ચાલે છે, સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઇ જાય છે.

[૨૧] ભગવંત ચાલતા હોય ત્યારે જયાં જયાં ભગવંતના પગ પડે ત્યાં ત્યાં દેવતાઓ પગ પડે તે પૂર્વે જ તેની નીચે સોનના કમળો ગોઠવી દે છે. નવ સુવર્ણ કમળોની શ્રેણી હોય છે. તેમાં પહેલાં બે કમળો પર ભગવંતના પગ હોય છે. જ્યાં ભગવંત પગ ઉપાડે કે સૌથી છેલ્લું કમળ અનુક્રમે આગળ ગોઠવાતું જાય છે. આ રીતે ભગવાનની સાથે સાથે કમળો પણ પંક્તિબદ્ધ ચાલે છે.

[૨૨] સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય, એમ ત્રણ મનોહર ગઢ દેવતાઓ રચે છે.

[૨૩] સમવસરણમાં ભગવંત સતુર્મુખ હોય છે. આ શરીરોમાં ભગવંતનું મૂળ શરીર પૂર્વ દિશામાં હોય છે, બાકીના ત્રણ શરીરોની રચના દેવતાઓ કરે છે, પણ તે શરીરોમાં ભગવંતના રૂપ જેવું રૂપ ભગવંતના જ અચિંત્ય પ્રભાવથી થઇ જાય છે.

[૨૪] સમવસરણના મધ્ય ભાગમાં અશોક વ્રૂક્ષ હોય છે. તેનો ઉપરના ભાગનો વિસ્તાર એક યોજન જેટલો હોય છે, તે સંપૂર્ણ સમવસરણ ઉપર છત્ર જેવો શોભે છે, તે વિહાર વખતે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ચાલે છે.

[૨૫] ભગવંત ચાલતા હોય ત્યારે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ (નીચી અણીવાળા) થઇ જાય છે.

[૨૬] ભગવંત ચાલતા હોય ત્યારે માર્ગની બન્ને બાજુ રહેલાં વ્રુક્ષો નમી જાય છે, જાણે ભગવંતને વંદન ન કરતાં હોય !

[૨૭] આકાશમાં દુંદુભિ-નાદ થાય છે.

[૨૮] પવન અનુકૂળ વહે છે, તેથી સૌને સુખકારક લાગે છે.

[૨૯] ભગવંત ચાલતા હોય ત્યારે ઉપર આકાશમાં પક્ષીઓ પ્રદક્ષિણા આપે છે.

[૩૦] ભગવંત જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં ઉડતી ધૂળ વગેરેને શમાવવા માટે દેવતાઓ સુગંધી જળની મંદ મંદ વ્રુષ્ટિ કરે છે.

[૩૧] ભગવંત જ્યાં વિધ્યમાન હોય કે વિચરતા હોય ત્યાં ચારે બાજુ દેવતાઓ અનેક વર્ણવાળા મનોહર અને સુગંધી પુષ્પોની વ્રુષ્ટિ કરે છે.

[૩૨] દીક્ષા સમયથી ભગવંતના કેશ, રોમ, દાઢી અને નખ વધતાં નથી, સદા એકસરખાં રહે છે.

[૩૩] ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવંતની સમીપમાં સેવા માટે સમુપસ્થિત હોય છે.

[૩૪] સર્વ ઋતુઓ અને પાંચે ઇન્દ્રિયોના અર્થો (વિષયો) અનુકૂળ થઇ જાય છે, એટ્લે કે છએ ઋતુઓ પોતાની સર્વ પુષ્પ વગેરે સામગ્રીની સાથે પ્રગટ થાય છે અને ઇન્દ્રિયોના મનોહર વિષયોનો પ્રાદુર્ભાવ થાય છે. ભગવંતની હાજરીમાં પ્રતિકૂળ વિષયો (કુરૂપતા વગેરે) હોતા નથી.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.

Courtesy Given by (BOOK) : Shree Simandhar Swami Swa-Darshan

પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો…


મશ્કરીના જોખમ ઘણા
મને પહેલા (નાનપણમાં) મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય. તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તોય આઠદસ વર્ષ સુધી મશ્કરી થયા કરી.
 
પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ તો શો વાંધો?
 
દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને !
 
બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (શક્તિશાળી મગજ) હોય તે કરે. હું તો લહેરથી બધાંની મશ્કરી કરતો હતો, સારાસારા માણસોની, મોટામોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.

દીધા રક્ષણ અન્ડરહેન્ડને હંમેશાં
મેં મારી લાઈફમાં ધંધો શો કરેલો ? ઉપરી જોડે બળવો અને અંડરહેન્ડનું રક્ષણ. આ મારો નિયમ. બળવો તો ખરો પણ ઉપરી જોડે. જગત આખું ક્યાં આગળ વશ થાય ? ઉપરીને ! અને અંડરહેન્ડને ટૈડકાવ ટૈડકાવ કરે. અને હું ઉપરીની જોડે બળવો કરી લઉં, એટલે લાભેલો (લાભ પામેલો) નહીં. તો અહીં આગળ મને પડેલીય નહોતી. પણ અંડરહેન્ડને બહુ સાચવેલા. અંડરહેન્ડ જે થઈ ગયા એનું તો બિકુલ રક્ષણ કરવાનું, આ મોટામાં મોટો ગુણ.
 
પ્રશ્નકર્તા : ક્ષત્રિય ખરા ને !
 
દાદાશ્રી : હા, ક્ષત્રિય, આ ક્ષત્રિય ગુણ, તે રસ્તે જતાં કોઈ લડતાં હોય, તો જે હાર્યો હોય, જેણે માર ખાધો, એના પક્ષમાં રહું, એ ક્ષત્રિયપણું અમારું!
 
આપો અભયદાન સહુને
હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં ૨૨-૨૫ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બારસાડાબાર વાગેલા હોય. એ આવું એટલે પેલા બૂટ ખખડે એ અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે આમ કરીને સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એને ચમકાટ (ભડકાટ) ના થવો જોઈએ. કોઈ જીવને દુ: ખ ના થવું જોઈએ. તે અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારીબથારી તો રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ.
 
સિનેમા સવળું પણ કરશે
૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે ‘અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની?’ પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ (અહંકાર) છે.’ એટલે પછી બીજો વિચાર આવ્યો કે ‘શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?’ તે દહાડે અમને જ્ઞાન નહોતું. જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું, તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ! કંઈ અજ્ઞાન કોઈએ લઈ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરુંં જ ને ! પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે ‘જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા.
 
અનુભવ પછી ચેતીને રહ્યા
કોઈક માણસ મુંબઈ જતો હોય વડોદરેથી, સૂઈ રહેવાની રાહ જોતો હોય અને પાલઘર આવે ત્યારે ગાડીમાં કંઈક જગ્યા થઈ, તો હવે એ બિસ્તરો પાથરે, ત્યારે આપણે ના સમજીએ કે આ મૂરખ માણસ છે? આ હમણે કલાકમાં તો ઊતરવાનું છે અને આ શા હારુ બિસ્તરો અહીં છોડતો હશે ? મને જ્ઞાન નહોતું થયું ત્યારે હું કહેતો કે ‘ધોળા આવ્યા, હવે શા બિસ્તરા પાથરો છો ? બિસ્તરા પાથરીને શું કાઢવાનું છે ? એવું જગત છે!
 
આ લોકોનું જોઈને બિસ્તરાની મને પણ કટેવ પડેલી. લોકો મોટામોટા બિસ્તરા લઈ જાય, તે મેં પણ મુંબઈથી એક બિસ્તરો વેચાતો લીધો ને મહીં ગોદડું ઘાલીને બહારગામ જતો. દરેક વખતે મજૂર મળે, પણ એક દહાડો કોઈ મજૂર ના મળ્યો ને મારાથી એ બિસ્તરો ના ઊંચકાયો. હવે મારી શી દશા થાય ? આમ ખેંચ ખેંચ કરીને મારો દમ નીકળી ગયો અને કોઈ ઝાલવાવાળોય ના મળ્યો. ત્યારથી સોગંદ લઈ લીધા કે ફરી ઊંચકાય એટલો જ સામાન ગાડીમાં જોડે રાખવો. તે આટલી બેગ એકલી રાખું, બીજી કશી ભાંજગડ નહીં. અને પાથરવા કરવા માટે ચાદર, તે ચાદર પાથરીને બેગને ઓશીકાની જેમ ગોઠવીને આમ સૂઈ જવાનું, પણ બેગ ખૂંચે તો બેગમાંથી ટુવાલ હોય તે કાઢી આમ માથા નીચે મૂકીને સૂઈ ગયા એટલે ભાંજગડ પતી ગઈ. આ ઊંચકીને તો મારો દમ નીકળી ગયેલો. ત્યારથી સમજી ગયેલો કે આ લોકોની જોડે હું ક્યાં આ હરીફાઈમાં પડ્યો? ને મજૂર ના મળે તો આપણી શી દશા થાય ? બિસ્તરો સ્ટેશને છોડી અવાય કંઈ ? અને ઘેર તો લાવવો જ પડે ને ? મહીં કંટાળો આવે કે ‘લાય, હવે મજૂર છે નહીં, એના કરતાં અહીં આગળ છોડી દો ને !’ પણ ના છોડે, સ્વભાવ એવો. કારણ કે મમતાનો સ્વભાવ એવો છે કે આ કશું છોડે નહીં.
 
પણ અમને જેટલું જેટલું સમજણ પડી ને, કે તરત છોડી દઉં. જ્યાં માર પડે ત્યાં તરત છોડી દઉં, પછી નક્કી કરી લઉં. પણ આ બધું મારે જ્ઞાન થતાં પહેલાની વાતો. જ્ઞાન થતાં પહેલા મારે આવી દ્રષ્ટિઓ ઊભી થયેલી.
 
 
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
 
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
 
!!! જય સચ્ચિદાનંદ !!!