જરૂર છે શીલરૂપ ચારિત્રની
Tag Archives: Pujyashree
અક્રમ વિજ્ઞાન – એકાવતારી…..
મોક્ષપ્રાપ્તિનો સરળ ઉપાય
પ્રશ્નકર્તા : આપણને જીવનમાં સમભાવ કેમનો આવે અને મનમાં શાંતિ કેવી રીતના રહે ?
દાદાશ્રી : મનની શાંતિ, સમભાવ જોઈતા હોય, તો એક ફેરો અમને કહી દેવાનું કે સાહેબ, મોક્ષમાર્ગ અમને આપો. એટલે સમભાવ ઉત્પન્ન થાય, મનની શાંતિ ઉત્પન્ન થાય. મનની શાંતિ જાય નહીં પછી.
પ્રશ્નકર્તા : એના માટે કરવું શું ?
દાદાશ્રી : કરવાનું કશુંય નહીં. અહીં આવીને મને કહેવાનું ફક્ત. કશું કરવાથી તો કર્મ બંધાશે. જે જે કરવા જશોને, તેનાથી કર્મ બંધાશે. તમારે કર્મ બાંધવા છે કે છોડવા છે ?
પ્રશ્નકર્તા : છોડવા માટે તો તમારી પાસે આવ્યા છીએ.
દાદાશ્રી : તે છોડવા આવ્યા છો તે અમને કહી દો એક ફેરો કે સાહેબ, મોક્ષમાર્ગ આપો અમને. અને અમારે મોક્ષે જ જવું છે, એક અવતાર કે બે અવતારમાં પણ મોક્ષે જવું છે. અમારે હવે અહીં નથી ફાવતું. અહીં પોષાતું ના હોય તો કહી દો અને પોષાતું હોય તો દેવગતિ માંગી લો. એ રસ્તો દેખાડી દઉ.
‘અક્રમ વિજ્ઞાન’, અગિયારમું આશ્ચર્ય
આ (અક્રમ વિજ્ઞાન) વર્લ્ડનું અગિયારમું આશ્ચર્ય છે ! મહાવીર ભગવાન સુધી દસ થઈ ગયા છે, આ અગિયારમું આશ્ચર્ય છે. એક કલાકમાં પરમેનન્ટ (કાયમી) શાંતિ અને એક અવતાર પછી મોક્ષ થાય.
અહીંથી જ મુક્તિ થઈ જવી જોઈએ. અહીં મુક્ત ના થાય તો કામનું નથી. અહીં આપણને એમ લાગવું જોઈએ કે દાદાજી, હું મુક્ત થઈ ગયો છું. મુક્તપણાનું ભાન રહેવું જોઈએ નિરંતર. તો આ જ્ઞાન વિજ્ઞાન કહેવાય. જનક વિદેહી થઈ ગયાને એના કરતા ઊંચી દશા હોય. ત્યારે આ વિજ્ઞાન કહેવાય. જનકવિદેહી ક્રમિક વિજ્ઞાનમાં હતા, સ્ટેપ બાય સ્ટેપ અને આ અક્રમ એટલે લિફ્ટ, લિફ્ટ વિજ્ઞાન છે.
આજ્ઞા આરાધનથી એકાવતારી મોક્ષ
આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે. તમે ડૉક્ટરની લાઈન કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે.
જો મારી આજ્ઞામાં રહેને તો કોઈ જાતની હરકત આવે નહીં અને એક-બે અવતારમાં મોક્ષે લઈ જશે. કારણ કે આ જ્ઞાન આપીએ છીએ ને તેની આજ્ઞા પાળો છો એટલા જ પુણ્ય કર્મ બંધાય તેય એકલા પુણ્યના. તે તો ભોગવવું જ પડેને ? છૂટકો છે ? પણ મોક્ષે લઈ જશે અને અહીં જ મોક્ષ થઈ જશે. જનક વિદેહી જેવો મોક્ષ થઈ જશે પણ અમારી આજ્ઞા પાળજો.
પ્રશ્નકર્તા : એ આજ્ઞા પૂરેપૂરી પાળવાથી જ શાંતિ રહેને ?
દાદાશ્રી : ના, થોડી ઓછી-વત્તી પળાય તોય વાંધો નથી. એય માફ કરાવી દેવડાવીશ. એટલે જ આ છોકરા-બોકરા બધાને રહે, એકે-એક માણસને, કોઈ દા’ડો અશાંતિ, ચિંતા કશુંય થાય નહીં. કારણ કે આ વીતરાગોનું વિજ્ઞાન છે, ચોવીસ તીર્થંકરોનું.
‘જ્ઞાની પુરુષ’ ‘રિયલ’ અને ‘રિલેટિવ’ની લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપે, ત્યાર પછી આત્મા પોતાના સ્વાભાવિક ધર્મમાં આવે. પોતાના સ્વાભાવિક ધર્મમાં આવ્યા પછી કશું રહેતું નથી. પછી એક અવતારમાં જ મોક્ષમાં જાય.
અને જગત આખું એમાં જ બધું ફસાયેલું છે. એક્યુરેટ ડિમાર્કેશન લાઈન (ચોક્કસ ભેદરેખા) પડતી જ નથી ને ફસાઈ ગયું છે. ઝઘડા એના જતા નથી. રિલેટિવ-રિયલના ઝઘડા જતા નથી. એટલે આત્મા પ્રાપ્ત થતો નથી.
એટલે આ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસે સમજવાની જરૂર છે. નહીં તો અનંત અવતારથી ભટકે છે, ભટકવામાં બાકી રાખ્યું નથી. પણ સેન્ટ્રલ સ્ટેશન આવ્યું નથી. અહીં ‘જ્ઞાની પુરુષ’ મળ્યા એટલે છેલ્લું સ્ટેશન આવી ગયું.
ચિંતારહિત પદ અક્રમજ્ઞાને
(આ જ્ઞાન લીધા પછી) શુદ્ધાત્માનું લક્ષ આખો દહાડો રહે છે ને હવે ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : પછી ચિંતા થાય છે ?
પ્રશ્નકર્તા : ચિંતા કોઈ એવો પ્રસંગ આવી જાય તો થાય, પણ પહેલાના કરતા ઘણું ઓછું થઈ ગયું છે.
દાદાશ્રી : એ ચિંતા ના કહેવાય. ચિંતા થાય તો જ્ઞાન ઊભું જ ના રહે. જ્યાં જ્ઞાન ત્યાં ચિંતા નહીં, ચિંતા ત્યાં જ્ઞાન નહીં. એ સફોકેશન થાય.
ક્રમિક માર્ગમાં તો ચિંતા ઠેઠ છેલ્લે સુધી ના જાય, કર્તાપદ ખરુંને ! અને હવે તમારે તો ચિંતા ના થાય. એ ભગવાન પદ કહેવાય. હા, મોટા મોટા સંતોને, સાધુઓને, ક્રમિક માર્ગના જ્ઞાનીઓનેય ચિંતા હોય. (તમને) અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય, તો તમારું ચિંતારહિત પદ, એ તમે જ માપ કાઢોને કેટલા ટકા આયા તે ! જુઓ પહેલેથી તમારાથી માપ કઢાય કે ના કઢાય ?
એક ચિંતા થાય તો મેં કહ્યું, મારી પર બે લાખ રૂપિયાનો દાવો માંડજો. પછી આથી વધારે શું માંગે ? શી રીતે ચિંતા થાય, કર્મ જ બાંધે નહીં ત્યાં આગળ ?
ક્રમિક માર્ગ એવો હતો કે ઠેઠ સુધી પરિગ્રહ ઓછા જેટલા કરે એટલી ચિંતા ઓછી. એમ કરતા કરતા સંપૂર્ણ પરિગ્રહ બંધ થઇ ગયો. પરિગ્રહ એટલે આ બહારનો નહીં, પાછા અંદર ક્રોધ-માન-માયા-લોભના પરમાણુ જેટલા ધારણ કરેલા છે એય પરિગ્રહ છે, જે હજુ કાઢવાના. કાઢવાનું એ બધુંય પરિગ્રહ કહેવાય. જે શુદ્ધ કરવાનું ને અશુદ્ધિ જે મહીં ભરાઇ રહેલી છે એય પણ પરિગ્રહ. તે ઠેઠ સુધી આ પરિગ્રહ રહેવાનો. અને તે ઠેઠ સુધી ચિંતા. આ તો અક્રમ વિજ્ઞાનના ધનભાગ છે કે લહેર તો છે જ, હઉ થશે. આગળ જોઇ લેવાશે.
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
!!! જય સચ્ચિદાનંદ !!!
Invitation to 106th Janma Jayanti, BHARUCH….
‘શબ્દો’ના સ્પંદનોની અસર…..
શબ્દોના અધ્યવસનોનું વમળ
એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા’ કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ (વિજ્ઞાન) ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે. ‘તમારે બોલવું જ નહીં’ એવું તો આપણે કહી શકાય નહીં, કારણ કે વ્યવસ્થિત છે ને! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે.
અત્યારે આ સત્સંગમાં જે પદ ગવાય છે, તે રાત્રે ઘેર સૂતાં સૂતાં આવા જ રાગમાં સંભળાય છે કે નહીં ? તે ઘડીએ કોઈ ગાતું હોય તે આપણને સંભળાય છે ! આના જેવું જ સંભળાય. રાગેય આવો, બધું તાલમાં. પણ એ વાત સાચી છે કે ખોટી છે ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : પણ સાચીય નથી એ. એવું છે, આપણે કો’કને કહી દીધું કે ‘તમે નાલાયક છો, તમે નાલાયકી કરી, આ ન હોવું જોઈએ.’ અને બીજે દહાડે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ, તોય મહીં બીજા ભાવ બોલ બોલ કરે કે ?
પ્રશ્નકર્તા : હા, બોલ બોલ કરે ને !
દાદાશ્રી : શું શું બોલે એ ?
પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દો ને, ભઈ.
દાદાશ્રી : ‘નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે.’ એ બધા બોલનારા કોણ આ ?
પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : આ બધા પડઘા છે. એ તમે આગલે દહાડે અભિપ્રાય આપ્યો ને, તેનું ફળ છે આ. આપણે પેલું કહ્યું ને, કે ‘તમે નાલાયક છો, તમે નાલાયકી કરી’ એવી વાણી નીકળી, એટલે પેલા લેપાયમાન ભાવો મહીં તૈયાર થઈને બેસી રહ્યા હોય, તે જેવી આપણી વાણી હોય એવા બધા એ લેપાયમાન ભાવો ઊભા થઈ જાય. ‘બહુ ખરાબ છે, આમ છે ને તેમ છે’ ને જાતજાતનું મહીં લેપાયમાન ભાવો આપણને કહ્યા કરે. એ કુદરતી રીતે ઊભા થાય છે. કારણ કે આપણે બહાર બોલ્યા, તેના પરિણામ રૂપે એ ભાવો પુદગલમાંથી ઊભા થાય છે. હવે એને અધ્યવસન કહે છે. તે જગત આખું અહીં જ ફસાઈ જાય છે. આ જ જગ્યાએ એમનું મરણ છે.
અવળી વાણીની અસરો અનેકગણી
આ પેલા (તંબુરામાં) તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં ?
પ્રશ્નકર્તા : ઘણાં વાગે.
દાદાશ્રી : એક જ ખખડાવો તોય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને ‘અધ્યવસન’ કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તોય તે ઊભાં થઈ જાય બધા. પોતાને બોલવાનો ભાવ થઈ ગયો ને, એટલે પેલા એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોય ને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તોય ! અધ્યવસન એટલાં બધા ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે ‘અક્રમ વિજ્ઞાન’ મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે ! કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.
‘તમે નાલાયક છો’ એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, ‘બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો.’ તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું તે પેલાને શાંતિ થઈ ગઈ, તમનેય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !
શબ્દોથી નુકસાન શું ?
આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વોલિટી (જાત). સારા શબ્દો શરીરને નિરોગી બનાવે અને ખરાબ શબ્દો રોગિષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. ‘એય નાલાયક, નાલાયક.’ હવે ‘એય’ શબ્દ નુકસાનકારક નથી, ‘નાલાયક’ શબ્દ નુકસાનકારક છે.
અમારું ટેપરેકર્ડની પેઠ નીકળે છે, એટલે અમારું એની માલકી (માલિકી) વગરનું છે, તોય પણ અમને જવાબદારી. માલકી વગરનું છે, તોય જવાબદારી પણ સાહેબ, ટેપ તો તમારી જ ને ? એવું કહે કે ના કહે? કંઈ બીજાની ટેપ હતી ? એટલે એ શબ્દ અમારે આ ધોવા પડે. ના બોલાય શબ્દો.
‘તારામાં અક્કલ નથી’ એમ કહ્યું વહુને, એ શબ્દ દુઃખદાયી છે, રોગને ઊભો કરનારો છે. ત્યારે પેલી કહે કે ‘તમારામાં ક્યાં બરકત છે ?’ એ બેઉને રોગ ઊભાં થાય છે. એ બરકત ખોળે છે ને આ અક્કલ ખોળે છે. આની આ દશા બધી! ફોરેનમાં ‘બરકત-બરકત’ ના કરે, ‘યુ, યુ’ કરીને વઢમ્વઢા કરે. ભસે સામસામી. ભસે, એવા ભસે, એવા ભસે તે દાંત તોડી નાખે એવા ભસે અને પછી તરત છૂટા, વારેય નહીં. ટ્રીક-બ્રીક નહીં, ત્યાં ટ્રીક ના હોય. આ તો ટ્રીકવાળા ! આ તો પાછા ધણી સમજી જાય કે ‘જો આ વેશ થઈ જશે તો….. પીયર જતી રહેશે તો ખાધા વગર રહીશું.’ માટે કળા કરે પાછો. અહીંથી બીજે ક્યાં જશે ? એને પીયર જતી રહે. ક્યાં જશે? સમાજથી બંધાયેલી સ્ત્રીઓ, લગ્નગ્રંથિથી બંધાયેલી, સમાજના દબાણથી. સ્ત્રી જાણે કે હું જતી રહું તો સમાજ મને શું કહેશે ? એટલા હારું આ રહી છે, નહીં તો આ ઘર આંકડો ના રહે અને ચાલ્યાયે કરે છે ને ! સમાજના ભયથી બંધારણ રહ્યું છે, પણ છેવટે અનુભવ થાય છે કે ‘બધા કરતા ધણી તો આ સારો’ કહેશે. એટલા શબ્દો બોલે, ‘આફ્ટર ઓલ હી વોઝ એ ગુડ મેન.’ (છેવટે માણસ તો તે સારો હતો.) બધી રીતે નાલાયક હતો, પણ છેવટે સારો હતો. આફ્ટર ઓલ શબ્દ વાપરેને, નહીં ? અને એ તો તરત, વાર જ નહીં. આપણે સમજી જઈએ કે આ હમણે હવે બેઉનો નકશો જુદો. એ એનું લંડન જુદું ને એનું લંડન જુદું. બેઉ લંડન વહેંચી નાખે અને આપણે (એવું) નહીં. માટે (આપણે) આપણી સ્ત્રીઓ જોડે (એવું) કશું ના થાય અને સ્ત્રીઓએ પુરુષો જોડે ના કરવું જોઈએ. કારણ કે બંધનવાળા છે. નિવેડો લાવવો જોઈએ.
એક શબ્દે, સર્જાયું મહાભારત
એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ ‘આંધળાના આંધળા’ આ શબ્દે તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું, આ જ મુખ્ય કારણ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ આપ્યા વગર રહે કે?
પ્રશ્નકર્તા : એક શબ્દ ઉપર જ આ બધું ઘમસાણ થઈ ગયું !
દાદાશ્રી : એક શબ્દ ઉપર જ આ બધું થયેલું છે. એ શબ્દ જો ના નીકળ્યો હોત ને તો કશું થવાનું નહોતું. માટે શબ્દ બોલવામાં તો બહુ જ કંટ્રોલ હોવો જોઈએ. જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવો શબ્દ ના બોલાય. એના માટે રોજે રોજ અભ્યાસ કરવો જોઈએ. એટલે માણસે સાચવવું જોઈએ.
અવળા શબ્દોથી નિજ ભાવહિંસા
આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ પણ અપશબ્દ ના હોવો જોઈએ અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે.
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
!!! જય સચ્ચિદાનંદ !!!
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો…