‘શબ્દો’ના સ્પંદનોની અસર…..


શબ્દોના અધ્યવસનોનું વમળ

એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા’ કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ (વિજ્ઞાન) ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે. ‘તમારે બોલવું જ નહીં’ એવું તો આપણે કહી શકાય નહીં, કારણ કે વ્યવસ્થિત છે ને! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે.

અત્યારે આ સત્સંગમાં જે પદ ગવાય છે, તે રાત્રે ઘેર સૂતાં સૂતાં આવા જ રાગમાં સંભળાય છે કે નહીં ? તે ઘડીએ કોઈ ગાતું હોય તે આપણને સંભળાય છે ! આના જેવું જ સંભળાય. રાગેય આવો, બધું તાલમાં. પણ એ વાત સાચી છે કે ખોટી છે ?

પ્રશ્નકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : પણ સાચીય નથી એ. એવું છે, આપણે કો’કને કહી દીધું કે ‘તમે નાલાયક છો, તમે નાલાયકી કરી, આ ન હોવું જોઈએ.’ અને બીજે દહાડે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ, તોય મહીં બીજા ભાવ બોલ બોલ કરે કે ?

પ્રશ્નકર્તા : હા, બોલ બોલ કરે ને !

દાદાશ્રી : શું શું બોલે એ ?

પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દો ને, ભઈ.

દાદાશ્રી : ‘નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે.’ એ બધા બોલનારા કોણ આ ?

પ્રશ્નકર્તા : ખબર નથી.

દાદાશ્રી : આ બધા પડઘા છે. એ તમે આગલે દહાડે અભિપ્રાય આપ્યો ને, તેનું ફળ છે આ. આપણે પેલું કહ્યું ને, કે ‘તમે નાલાયક છો, તમે નાલાયકી કરી’ એવી વાણી નીકળી, એટલે પેલા લેપાયમાન ભાવો મહીં તૈયાર થઈને બેસી રહ્યા હોય, તે જેવી આપણી વાણી હોય એવા બધા એ લેપાયમાન ભાવો ઊભા થઈ જાય. ‘બહુ ખરાબ છે, આમ છે ને તેમ છે’ ને જાતજાતનું મહીં લેપાયમાન ભાવો આપણને કહ્યા કરે. એ કુદરતી રીતે ઊભા થાય છે. કારણ કે આપણે બહાર બોલ્યા, તેના પરિણામ રૂપે એ ભાવો પુદગલમાંથી ઊભા થાય છે. હવે એને અધ્યવસન કહે છે. તે જગત આખું અહીં જ ફસાઈ જાય છે. આ જ જગ્યાએ એમનું મરણ છે.

અવળી વાણીની અસરો અનેકગણી

આ પેલા (તંબુરામાં) તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં ?

પ્રશ્નકર્તા : ઘણાં વાગે.

દાદાશ્રી : એક જ ખખડાવો તોય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને ‘અધ્યવસન’ કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તોય તે ઊભાં થઈ જાય બધા. પોતાને બોલવાનો ભાવ થઈ ગયો ને, એટલે પેલા એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોય ને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તોય ! અધ્યવસન એટલાં બધા ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે ‘અક્રમ વિજ્ઞાન’ મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે ! કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.

‘તમે નાલાયક છો’ એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, ‘બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો.’ તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું તે પેલાને શાંતિ થઈ ગઈ, તમનેય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !

શબ્દોથી નુકસાન શું ?

આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વોલિટી (જાત). સારા શબ્દો શરીરને નિરોગી બનાવે અને ખરાબ શબ્દો રોગિષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. ‘એય નાલાયક, નાલાયક.’ હવે ‘એય’ શબ્દ નુકસાનકારક નથી, ‘નાલાયક’ શબ્દ નુકસાનકારક છે.

અમારું ટેપરેકર્ડની પેઠ નીકળે છે, એટલે અમારું એની માલકી (માલિકી) વગરનું છે, તોય પણ અમને જવાબદારી. માલકી વગરનું છે, તોય જવાબદારી પણ સાહેબ, ટેપ તો તમારી જ ને ? એવું કહે કે ના કહે? કંઈ બીજાની ટેપ હતી ? એટલે એ શબ્દ અમારે આ ધોવા પડે. ના બોલાય શબ્દો.

‘તારામાં અક્કલ નથી’ એમ કહ્યું વહુને, એ શબ્દ દુઃખદાયી છે, રોગને ઊભો કરનારો છે. ત્યારે પેલી કહે કે ‘તમારામાં ક્યાં બરકત છે ?’ એ બેઉને રોગ ઊભાં થાય છે. એ બરકત ખોળે છે ને આ અક્કલ ખોળે છે. આની આ દશા બધી! ફોરેનમાં ‘બરકત-બરકત’ ના કરે, ‘યુ, યુ’ કરીને વઢમ્વઢા કરે. ભસે સામસામી. ભસે, એવા ભસે, એવા ભસે તે દાંત તોડી નાખે એવા ભસે અને પછી તરત છૂટા, વારેય નહીં. ટ્રીક-બ્રીક નહીં, ત્યાં ટ્રીક ના હોય. આ તો ટ્રીકવાળા ! આ તો પાછા ધણી સમજી જાય કે ‘જો આ વેશ થઈ જશે તો….. પીયર જતી રહેશે તો ખાધા વગર રહીશું.’ માટે કળા કરે પાછો. અહીંથી બીજે ક્યાં જશે ? એને પીયર જતી રહે. ક્યાં જશે? સમાજથી બંધાયેલી સ્ત્રીઓ, લગ્નગ્રંથિથી બંધાયેલી, સમાજના દબાણથી. સ્ત્રી જાણે કે હું જતી રહું તો સમાજ મને શું કહેશે ? એટલા હારું આ રહી છે, નહીં તો આ ઘર આંકડો ના રહે અને ચાલ્યાયે કરે છે ને ! સમાજના ભયથી બંધારણ રહ્યું છે, પણ છેવટે અનુભવ થાય છે કે ‘બધા કરતા ધણી તો આ સારો’ કહેશે. એટલા શબ્દો બોલે, ‘આફ્ટર ઓલ હી વોઝ એ ગુડ મેન.’ (છેવટે માણસ તો તે સારો હતો.) બધી રીતે નાલાયક હતો, પણ છેવટે સારો હતો. આફ્ટર ઓલ શબ્દ વાપરેને, નહીં ? અને એ તો તરત, વાર જ નહીં. આપણે સમજી જઈએ કે આ હમણે હવે બેઉનો નકશો જુદો. એ એનું લંડન જુદું ને એનું લંડન જુદું. બેઉ લંડન વહેંચી નાખે અને આપણે (એવું) નહીં. માટે (આપણે) આપણી સ્ત્રીઓ જોડે (એવું) કશું ના થાય અને સ્ત્રીઓએ પુરુષો જોડે ના કરવું જોઈએ. કારણ કે બંધનવાળા છે. નિવેડો લાવવો જોઈએ.

એક શબ્દે, સર્જાયું મહાભારત

એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ ‘આંધળાના આંધળા’ આ શબ્દે તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું, આ જ મુખ્ય કારણ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ આપ્યા વગર રહે કે?

પ્રશ્નકર્તા : એક શબ્દ ઉપર જ આ બધું ઘમસાણ થઈ ગયું !

દાદાશ્રી : એક શબ્દ ઉપર જ આ બધું થયેલું છે. એ શબ્દ જો ના નીકળ્યો હોત ને તો કશું થવાનું નહોતું. માટે શબ્દ બોલવામાં તો બહુ જ કંટ્રોલ હોવો જોઈએ. જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવો શબ્દ ના બોલાય. એના માટે રોજે રોજ અભ્યાસ કરવો જોઈએ. એટલે માણસે સાચવવું જોઈએ.

અવળા શબ્દોથી નિજ ભાવહિંસા

આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ પણ અપશબ્દ ના હોવો જોઈએ અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે.

Dada-Niruma-20

દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.

સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.

 

!!! જય સચ્ચિદાનંદ !!!

Advertisements

2 comments on “‘શબ્દો’ના સ્પંદનોની અસર…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s