પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો…


મશ્કરીના જોખમ ઘણા
મને પહેલા (નાનપણમાં) મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય. તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તોય આઠદસ વર્ષ સુધી મશ્કરી થયા કરી.
 
પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ તો શો વાંધો?
 
દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને !
 
બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (શક્તિશાળી મગજ) હોય તે કરે. હું તો લહેરથી બધાંની મશ્કરી કરતો હતો, સારાસારા માણસોની, મોટામોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.

દીધા રક્ષણ અન્ડરહેન્ડને હંમેશાં
મેં મારી લાઈફમાં ધંધો શો કરેલો ? ઉપરી જોડે બળવો અને અંડરહેન્ડનું રક્ષણ. આ મારો નિયમ. બળવો તો ખરો પણ ઉપરી જોડે. જગત આખું ક્યાં આગળ વશ થાય ? ઉપરીને ! અને અંડરહેન્ડને ટૈડકાવ ટૈડકાવ કરે. અને હું ઉપરીની જોડે બળવો કરી લઉં, એટલે લાભેલો (લાભ પામેલો) નહીં. તો અહીં આગળ મને પડેલીય નહોતી. પણ અંડરહેન્ડને બહુ સાચવેલા. અંડરહેન્ડ જે થઈ ગયા એનું તો બિકુલ રક્ષણ કરવાનું, આ મોટામાં મોટો ગુણ.
 
પ્રશ્નકર્તા : ક્ષત્રિય ખરા ને !
 
દાદાશ્રી : હા, ક્ષત્રિય, આ ક્ષત્રિય ગુણ, તે રસ્તે જતાં કોઈ લડતાં હોય, તો જે હાર્યો હોય, જેણે માર ખાધો, એના પક્ષમાં રહું, એ ક્ષત્રિયપણું અમારું!
 
આપો અભયદાન સહુને
હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં ૨૨-૨૫ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બારસાડાબાર વાગેલા હોય. એ આવું એટલે પેલા બૂટ ખખડે એ અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે આમ કરીને સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એને ચમકાટ (ભડકાટ) ના થવો જોઈએ. કોઈ જીવને દુ: ખ ના થવું જોઈએ. તે અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારીબથારી તો રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ.
 
સિનેમા સવળું પણ કરશે
૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે ‘અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની?’ પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ (અહંકાર) છે.’ એટલે પછી બીજો વિચાર આવ્યો કે ‘શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?’ તે દહાડે અમને જ્ઞાન નહોતું. જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું, તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ! કંઈ અજ્ઞાન કોઈએ લઈ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરુંં જ ને ! પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે ‘જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા.
 
અનુભવ પછી ચેતીને રહ્યા
કોઈક માણસ મુંબઈ જતો હોય વડોદરેથી, સૂઈ રહેવાની રાહ જોતો હોય અને પાલઘર આવે ત્યારે ગાડીમાં કંઈક જગ્યા થઈ, તો હવે એ બિસ્તરો પાથરે, ત્યારે આપણે ના સમજીએ કે આ મૂરખ માણસ છે? આ હમણે કલાકમાં તો ઊતરવાનું છે અને આ શા હારુ બિસ્તરો અહીં છોડતો હશે ? મને જ્ઞાન નહોતું થયું ત્યારે હું કહેતો કે ‘ધોળા આવ્યા, હવે શા બિસ્તરા પાથરો છો ? બિસ્તરા પાથરીને શું કાઢવાનું છે ? એવું જગત છે!
 
આ લોકોનું જોઈને બિસ્તરાની મને પણ કટેવ પડેલી. લોકો મોટામોટા બિસ્તરા લઈ જાય, તે મેં પણ મુંબઈથી એક બિસ્તરો વેચાતો લીધો ને મહીં ગોદડું ઘાલીને બહારગામ જતો. દરેક વખતે મજૂર મળે, પણ એક દહાડો કોઈ મજૂર ના મળ્યો ને મારાથી એ બિસ્તરો ના ઊંચકાયો. હવે મારી શી દશા થાય ? આમ ખેંચ ખેંચ કરીને મારો દમ નીકળી ગયો અને કોઈ ઝાલવાવાળોય ના મળ્યો. ત્યારથી સોગંદ લઈ લીધા કે ફરી ઊંચકાય એટલો જ સામાન ગાડીમાં જોડે રાખવો. તે આટલી બેગ એકલી રાખું, બીજી કશી ભાંજગડ નહીં. અને પાથરવા કરવા માટે ચાદર, તે ચાદર પાથરીને બેગને ઓશીકાની જેમ ગોઠવીને આમ સૂઈ જવાનું, પણ બેગ ખૂંચે તો બેગમાંથી ટુવાલ હોય તે કાઢી આમ માથા નીચે મૂકીને સૂઈ ગયા એટલે ભાંજગડ પતી ગઈ. આ ઊંચકીને તો મારો દમ નીકળી ગયેલો. ત્યારથી સમજી ગયેલો કે આ લોકોની જોડે હું ક્યાં આ હરીફાઈમાં પડ્યો? ને મજૂર ના મળે તો આપણી શી દશા થાય ? બિસ્તરો સ્ટેશને છોડી અવાય કંઈ ? અને ઘેર તો લાવવો જ પડે ને ? મહીં કંટાળો આવે કે ‘લાય, હવે મજૂર છે નહીં, એના કરતાં અહીં આગળ છોડી દો ને !’ પણ ના છોડે, સ્વભાવ એવો. કારણ કે મમતાનો સ્વભાવ એવો છે કે આ કશું છોડે નહીં.
 
પણ અમને જેટલું જેટલું સમજણ પડી ને, કે તરત છોડી દઉં. જ્યાં માર પડે ત્યાં તરત છોડી દઉં, પછી નક્કી કરી લઉં. પણ આ બધું મારે જ્ઞાન થતાં પહેલાની વાતો. જ્ઞાન થતાં પહેલા મારે આવી દ્રષ્ટિઓ ઊભી થયેલી.
 
 
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
 
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
 
!!! જય સચ્ચિદાનંદ !!!
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s