પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો…


 
પૌદગ્લિક પર્યાયો જોયા કેવળજ્ઞાનમાં
 
 
અમારા વખતમાં કહેતા હતા કે,
 
‘દુનિયા દિવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે.
 
પાપેય એનું જ્યારે પ્રગટ થાશે, ત્યારે ભૂવા-જતિ ઘેર જાશે.’
 
પાપ જ્યારે એનું પ્રગટ થશે, ત્યારે ભૂવાજતિઓને ત્યાં જઈને દોરાધાગા કરાવે ને ફલાણું કરાવે. એટલે પાપ એનું પ્રગટ થાય પછી એ ભૂવા ખોળે, જતિ ખોળે એવું કોઈ કવિએ ગાયું છે.
 
પ્રશ્નકર્તા : દાદા, આ પદ ક્યારે વાંચેલું તમે?
 
દાદાશ્રી : આ તો પંચાવન વર્ષ (પહેલા)ની વાત. એ બહુ જૂની નથી, બેપાંચ હજાર વર્ષની વાત નથી.
 
પ્રશ્નકર્તા : પણ તમને યાદ બધું કેમનું રહે છે?
 
દાદાશ્રી : અમને કશું યાદ ના હોય. આજ સોમવાર છે કે મંગળવાર છે તે જ મને યાદ ના આવેને !
 
પ્રશ્નકર્તા : તો આ બધું ક્યાંથી નીકળ્યું, દાદા?
 
દાદાશ્રી : આ તો અમને દેખાય આમ ! આ જ્ઞાનમાં અમને બધું દેખાય. બધા પર્યાયો અમને ખબર પડે. દરેક પૌદગ્લિક પર્યાય જે પણ છે ને, એ બધાં અમને સૂક્ષ્મરૂપે દેખાય.
 
આમ ફર્યા કે તરત પેલું દેખાય, એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય, તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ? અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય.
 
 
તોફાની ખરા પણ મમતા રહિત
 
આવું હતું….. આવું હતું, પછી આવું હતું. સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા. એ બધુંય અમને દેખાય. સાહેબ ચિઢાયા કરે. કહેવાય નહીં ને ચિઢાયા કરે.
 
પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ?
 
દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.
 
પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય?
 
દાદાશ્રી : એ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ! પણ આ આડાઈ. ‘સાહેબ એના મનમાં શું સમજે છે ?’ કહેશે. લે ! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, ‘ના, બાખડી પહેલા બાંધવાની.’ એને બાખડી બાંધવાની કહેવાય. તમે બાખડી શબ્દ સાંભળેલો? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું.
 
પ્રશ્નકર્તા : તે સાહેબ તમને કશું કહી ના શકે?
 
દાદાશ્રી : કહેય ખરા, પણ (આમ) કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખશે.
 
પ્રશ્નકર્તા : દાદા, તમે આવાં તોફાની હતા ?
 
દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ.
 
પ્રશ્નકર્તા : અને એમાં આવું ‘જ્ઞાન’ થઈ ગયું, એ તો બહુ કહેવાય !
 
દાદાશ્રી : ‘જ્ઞાન’ થઈ ગયું, કારણ કે મહીં ચોખ્ખું હતું ને ! મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે, આની ટેસી બહુ જ છે. ત્યારે કેટલાક તો કહેશે, ‘અરે, જવા દો ને, તુંડમિજાજી છે.’ એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી, એ મુખ્ય ગુણ સરસ હતો. એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તોય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી.
 
તે મનેય લાગ્યું કે હવે હું પાંસરો થઈ ગયો. કોઈએ મને પાંસરો કરવો ના પડે.
 
પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા?
 
દાદાશ્રી : લોકોએ મારીઠોકીને, ઊંધુંચત્તું કરીને, આમતેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો.
 
પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ?
 
દાદાશ્રી : કેટલાય અવતારથી આ પાંસરા થતા આવેલા, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો. પાંસરો તો લોકોએ મને બહુ કરી નાખ્યો છે. પાંસરો થયો ત્યારે જ્ઞાની થયો !
 
પ્રશ્નકર્તા : દાદા, આપ તો જ્ઞાની પુરુષ, અમારા મનમાં તો પ્રગટ પરમાત્મા જેવા, અમને મનમાં વસી ગયા અને આપને મોઢે અમે એવું સાંભળીએ કે અનંતકાળથી માર ખઈ ખઈને હું પાંસરો થયો છું. એવું આપ જ્યારે કહો, ત્યારે અમારો પુરુષાર્થ કેટલો બધો જાગૃત થાય ?
 
દાદાશ્રી : હા, બરાબર છે. તમે જો નથી થયા તો હજુ થવું પડશે. મારું કહેવાનું કે જ્ઞાન આપ્યા પછી પાંસરું થવું પડશે. માટે થઈ જજો. જ્યાં આગળ કોઈ અવળું આપેને, રસ્તે જતા તો ઉપકાર માનજો કે આપણને પાંસરા કરે છે આ. ઉપકાર માનજો. કોઈ ક્લાયન્ટ (ઘરાક) છે તે અવળું બોલીને પાંસરો કરવા માંડે તો આપણે જાણવું ઉપકારી છે આ.
 
 
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
 
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
 
!!! જય સચ્ચિદાનંદ !!!
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s