અદભૂત-અલૌકિક વ્યવહાર, જ્ઞાનીનો !!!


જુનિયરના યે જુનિયર
 
આખી દુનિયામાં હું એકલો જ ‘જુનિયર’ છું. ‘જુનિયર’નો ‘જુનિયર’ થાય તો આખા બ્રહ્માંડનો ‘સિનિયર’ થાય. હું એકલો જ ‘જુનિયર’ રહ્યો છું.
 
લોકોને એમ લાગે કે આ ગુરુ છે. પણ ના, હું ગુરુ નથી. હું લઘુતમ છું. લઘુતમ એટલે ‘જુનિયર’. આ બધા જ મારાથી ‘સિનિયર’ છે.
 
મહત્ત્વ, લઘુતમ પદનું જ
 
પ્રશ્નકર્તા : તો દાદા, આપ આમાં લઘુતમપદને કેમ બહુ મહત્ત્વ આપો છો ?
 
દાદાશ્રી : પણ આ લઘુતમ તે કાયમ ‘સેફસાઈડ’ ! જે લઘુતમ છે તે તો કાયમ ‘સેફસાઈડ’ છે, ગુરુતમવાળાને ભય. ‘લઘુતમ’ કહ્યું એટલે પછી અમારે પડવાનો શો ભય ? અહીં ઊંચે બેઠાં હોય, તેને પડવાનો ભય. જગતમાં લઘુતમભાવમાં કોઈ હોય નહીં ને ! જગત ગુરુતમભાવમાં હોય. ગુરુતમ થયો હોય તે પડે. એટલે અમે તો લઘુ થઈને બેઠેલા. અમારે જગત પ્રત્યેનો ભાવ એ લઘુતમભાવ છે. એટલે અમને કશું પડવાનો ભો નહીં, કશું અડે નહીં ને નડે નહીં.
 
એટલે અમે ‘રિલેટિવ’માં લઘુતમ થઈને બેઠેલા. અમે કહીએ કે ‘ભઈ, તારા કરતાં અમે નાના છીએ, તું ગાળ દઉં એના કરતાં હું નાનો છું.’ એ બહુ ત્યારે ગધેડો કહે. તો ગધેડાથી તો આપણે બહુ નાના છીએ. ગધેડો તો ‘હેવી લોડ’ છે ને ! અને આપણામાં તો ‘લોડ’ જ નથી. એટલે જો ગાળો ભાંડવી હોય તો હું લઘુતમ છું. લઘુતમ તો આકાશ જેવું હોય, આકાશ પરમાણુ જેવું હોય. લઘુતમને માર ના અડે, ગાળો ના અડે, એને કશું અડે નહીં.
 
કહેવાનો ખાસ ભાવાર્થ એટલો કે તારે કંઈ રોફ રાખવો હોય તો હું લઘુતમ છું ને તારે મારો રોફ રાખવો હોય તો હું ગુરુતમ છું.
 
લઘુત્તમ પણ વૈભવ ગુરુતમનો
 
અમે કહ્યું કે અમે અમારા મોક્ષમાં રહીએ ને લઘુતમ રહીએ. છતાં વૈભવ અમે ગુરુતમનો ભોગવીએ. અમારો દેખાવ, વર્તન બધું લઘુતમનું. જગતના માટે તો હું સૌથી નાનામાં નાનો છું, લઘુતમ પુરુષ છું અને આ ‘જ્ઞાન’ જેને જાણવું છે તેને માટે તો હું સૌથી મોટામાં મોટો છું, ગુરુતમ છું. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય તો હું ગુરુતમ છું. અમારાથી કોઈ મોટો નથી. અને તારે સંસારમાં મોટા થવું હોય તો લઘુતમ છું. હવે મોક્ષે જવું હોય, એને હું ગુરુતમ ના કહું તો પાછું એનું ગાડું જ આગળ ના ચાલેને !
 
‘જ્ઞાની પુરુષ’ ‘ગુરુતમ’ હોય, એનાથી કોઇ મોટો ના હોય અને પોતે ‘લઘુતમ’ પુરુષ પણ છે, એમનાથી નાનું કોઇ ના હોય ! તમે કહો કે, ‘તમે આચાર્ય છો.’ તો અમે કહીએ કે, ‘એથી પણ ગુરુતમ છીએ.’ ભગવાન કહો તો અમે કહીએ, ‘એથી અમે પણ ગુરુતમ છીએ.’ અને તમે અમને કહો કે, ‘તમે ગધેડા છો.’ તો અમે કહીએ કે, ‘અમે એથી પણ લઘુતમ છીએ.’ આવા ‘લઘુતમ’-‘ગુરુતમ’ પુરુષની શી રીતે ઓળખાણ પડે ? ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે !
 
ન ગુરુ કોઈના, શિષ્ય સહુના
 
‘આપ’ ગુરુ છો કે નહીં ?
 
પ્રશ્નકર્તા : તો શું આપ અમારા ગુરુ નહીં ?
 
દાદાશ્રી : ના, હું તો આખા જગતનો શિષ્ય છું. હું શું કરવા ગુરુ થઉં ?
 
પ્રશ્નકર્તા : ધારો કે આજથી તમને સાચા ગુરુ માનીએ અને સમર્પણ કરી દઈએ તો ?
 
દાદાશ્રી : પણ હું તો ગુરુ થવા નવરો જ નથી. હું તો તમને અહીં જે જ્ઞાન આપું, એ જ્ઞાનમાં જ રહીને તમે તમારે મોક્ષે ચાલ્યા જાવ ને, અહીંથી. ગુરુ કરવાને ક્યાં બેસી રહેશો ? મને ગુરુ માનવાની જરૂર નથી. હું ગુરુપદ સ્થાપન નહીં થવા દઉં. તમને બીજું બધું ઠેઠ સુધીનું બતાડી દઈશ. પછી વાંધો ખરો?
હું કોઈનો ગુરુ થતો નથી. મારે ગુરુ થઈને શું કામ છે ? હું તો જ્ઞાની પુરુષ છું. જ્ઞાની પુરુષ એટલે શું ? ઓબ્ઝર્વેટરી કહેવાય ! જે જાણવું હોય તે જણાય ત્યાં આગળ !
 
પ્રશ્નકર્તા : જ્ઞાની, ગુરુ ના હોઈ શકે ?
 
દાદાશ્રી : જ્ઞાની કોઈના ગુરુ ના થાય ને ! અમે તો લઘુતમ હોઈએ! હું શી રીતે ગુરુ થાઉં ? કારણ કે બુદ્ધિ મારામાં બિલકુલ છે નહીં. અને ગુરુ થવું એટલે તો બુદ્ધિ જોઈએ. ગુરુમાં બુદ્ધિ જોઈએ કે ના જોઈએ? અને અમે તો અમારા પુસ્તકમાં લખ્યું છે કે અમે અબુધ છીએ. આ જગતમાં કોઈએ પોતાની જાતને અબુધ લખ્યું નથી. આ અમે એકલાએ જ પહેલું લખ્યું કે અમે અબુધ છીએ. અને ખરેખર અબુધ થઈને બેઠા છીએ ! અમારામાં જરાય બુદ્ધિ ના મળે. બુદ્ધિ વગર ચાલે છે ને, અમારું ગાડું !
 
લોકોના ગુરુઓ થઇ બેઠેલા પાંચ-છ ગુરુઓ એક ફેર મારી પાસે આવ્યા. તે મને પૂછવા લાગ્યા, ‘શું લોકોને ગુરુ ના જોઇએ ?’ મેં કહ્યું કે સાચા ગુરુ તે કામના. બાકી ગુરુ એટલે ભારે અને ભારે તે ડૂબે અને બીજાને ડૂબાડે. હું તો લઘુતમ પુરુષ છું – ગુરુતમ પુરુષ છું. હું કાચો નથી કે ગુરુ થઇને બેસું. તું ગુરુ થઇ બેઠો તો જાણજે કે તું લઘુ છે ! નહીં તો લઘુતાના ભાન વગર ગુરુ થયેથી ડૂબીશ ને ડૂબાડીશ.
 
‘અમે’ તો ડૂબીએ નહીં ને કોઇને ડૂબાડીએય નહીં. ‘અમે’ હલકાફૂલ જેવા હોઇએ. અમે તરીએ અને બધાને તારીએ. કારણ કે અમે તરણતારણ છીએ ! પોતે તર્યા ને બીજા અનેકને તારવાનું સામર્થ્ય ધરાવીએ છીએ.
 
લોકો મને કહે છે કે તમને અમારે ગુરુપદે સ્થાપન કરવા છે, તો મેં કહ્યું, હું તો કોઈનો ગુરુ નથી. હું તો લઘુતમ પુરુષ છું. એટલે અમે કંઈ કાચી માયા નથી કે અમે ગુરુ થઈએ. હું કોઈનો ગુરુ થયો નથી. હું આખા જગતના શિષ્યરૂપે રહું છું અને બધાને હું શું કહું છું કે ભઈ, તમે લઘુતમ થાવ. જેને ગુરુ થવું હોય તેને થવા દો. પણ એ ગુરુઓ કેમ કરીને પોતે તરે અને તારે ? એ ગુરુએ ગુરુકિલ્લી સાથે રાખવી પડે, તો પોતે તરે ને બીજાને તારી શકે. જ્ઞાનીઓ એને ગુરુકિલ્લી આપે, લઘુતમ થવાની ગુરુકિલ્લી આપે, પછી ગુરુ થવાય.
 

દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.

સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
 
!!!  જય સચ્ચિદાનંદ  !!!
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s