અદભૂત-અલૌકિક વ્યવહાર, જ્ઞાનીનો !


જ્ઞાની હોય બહુ વિવેકી
 
ભગતો એકલા જ ઘેલા હોય કે અસાવધપણે સંસાર ચલાવે. જ્યારે જ્ઞાનીઓ તો સાવધપૂર્વક ચલાવે.

‘જ્ઞાની’ ઘેલા ના હોય. ‘જ્ઞાની’ બહુ ડાહ્યા હોય. મનમાં બધુંય હોય કે ‘ભલું થયું ભાંગી જંજાળ’ પણ બહાર શું કહે ? અરેરે ! બહુ ખોટું થયું. આ તો હું એકલો હવે શું કરીશ ?’ એવું હઉ કહે. નાટક ભજવે !
 
આ જગતતો પોતે નાટક જ છે. એટલે અંદરખાને જાણવાનું કે, ‘ભલું થયું ભાંગી જંજાળ’ પણ વિવેકમાં રહેવું જોઈએ. ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ’ એવું ના બોલાય. આવો અવિવેક તો કોઈ બહારનોય ના કરે. દુશ્મન હોય તોય વિવેકમાં બેસે, મોઢું શોકવાળું કરીને બેસે ! અમને શોક કે કશુંય ના થાય પણ બાથરૂમમાં જઈને પાણી ચોપડી આવીને નિરાંતે બેસીએ. એ અભિનય છે. ધી વર્લ્ડ ઈઝ ધી ડ્રામા ઈટસેલ્ફ;તમારે નાટક જ ભજવવાનું છે ખાલી,અભિનય જ કરવાનો છે પણ અભિનય ‘સિન્સિયરલી’ કરવાનો.

પ્રશ્નકર્તા : ‘એક્ટિંગ’ એ ‘ઈન્સિન્સિયારિટી’ ના કહેવાય ?

દાદાશ્રી : ના, ઈન્સિન્સિયારિટી ના કહેવાય. એક્ટિંગ એટલે અભિનય જ ખાલી. એ અભિનય હોવો જોઈએ. અભિનયમાં ‘સિન્સિયર’જ રહેવું જોઈએ. હવે હું ત્યાં પાણી ચોપડીને બેસું. મારો હાસ્યવાળો સ્વભાવ, એટલે કોઈ પણ બાબતમાં હાસ્ય જ હોય મારું. હવે એ શી રીતે મારે ઢાંકવું ? એટલે પાણી છાંટીને જરા બેસું. ના હોય તો પછી મરચું અડાડવું પડે, નહીં તો ના ચાલે. વ્યવહારમાં તો કરવું જ પડે.

એ અમને આવડે, લૌકિક બહુ સરસ આવડે. આ નાટક અમને ‘એક્ઝેક્ટ’ આવડે. આ બધું હું નાટક જ કરું છું, સવારથી તે અત્યાર સુધી નાટક જ કરું છું. સિન્સિયરલી પાછું ! નાટક કરવાનું ના હોય, ભજવવાનું હોય. જે રિહર્સલ ગોઠવાયેલું હોય, તે ખાલી ભજવવાનું જ હોય. તે આ નાટક ભજવવાની જરૂર છે. જગતમાં સુપરફલુઅસ રહેવાની જ જરૂર !
 
 
ડ્રામેટિક વ્યવહાર
 
આ હું આખો દહાડો ડ્રામા જ કર્યા કરું છુંને ! ડ્રામા એટલે શું ? હું જોનારો રહું છું, હું આમાં જુદો રહું છું. પેલા ડ્રામામાં શું હોય છે ? ભર્તૃહરીનો પાઠ ભજવે છે, પણ આપણે તે ઘડીએ પૂછીએ કે, ‘તું કોણ છે, એ યાદ હતું ?’ ત્યારે કહે, ‘હું લક્ષ્મીચંદ છું એ ભૂલું જ નહીંને અને આપણે ખીચડી ખાવાની છે તેય ભૂલું નહીં.’ ખીચડી ખાવાનું લક્ષમાં હોય કે ના હોય ? એવું ડ્રામેટિક રહેવાનું છે.

જુઓને, (તે દિવસે) અમે મંચ પર બેઠા હતાને, અમારે દ્વેષ હોય નહીં. આવા વ્યવહારમાં તો અમારે આવવાનું ના હોય બનતાં સુધી, પણ હોય તેને અમે તરછોડીએ નહીં. બધું ત્યાંય એવું નાટક ભજવીએ. અમારે આમ કરવું ને તેમ કરવું એવું નહીં. આપણે વ્યવહારને તરછોડવાનો નહીં. જે વ્યવહાર બન્યો, એમાં ‘અંબાલાલ મૂળજીભાઈ’ એ વ્યવહાર સત્તાને આધીન છે ને ‘અમે’ નિશ્ચય સત્તાને આધીન છીએ. ‘અમે’ તો નિશ્ચય સત્તામાં જ છીએ, સ્વસત્તાધારી છીએ. એટલે વ્યવહારને કિંચિત્માત્ર તરછોડ ના વાગવી જોઈએ.
 
  
તરછોડ રહિત વ્યવહાર
 
તરછોડ માટે અમારું ચિત્ત બહુ જાગૃત હોય. મોડી રાત્રે રસ્તા પરથી જવાનું બને ત્યારે અમે જાગૃત હોઇએ કે જેથી અમારા બૂટના અવાજથી કૂતરું ના જાગી જાય. એની મહીંયે આત્મા છે ને ? કોઇ અમને પ્રેમથી ‘પોઇઝન’ આપે તોય અમે તેને તરછોડ ના મારીએ !

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં ફેર શું છે ?

દાદાશ્રી : તિરસ્કાર તો વખતે ખબર નાય પડે. તિરસ્કાર બિલકુલ ‘માઇલ્ડ’ વસ્તુ છે, પણ તરછોડ તો બહુ ઉગ્ર સ્વરૂપની છે, તરત લોહી નીકળે. આ દેહનું લોહી ના નીકળે, મનનું લોહી નીકળે.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડનાં ફળ કેવાં ?

દાદાશ્રી : તિરસ્કારનું ફળ એટલું બધું ના આવે, પણ તરછોડનું બહુ મોટું આવે. તરછોડ તમામ પ્રકારના અંતરાય પાડે. એટલે વસ્તુઓ આપણને પ્રાપ્ત ના થવા દે, હેરાન-હેરાન કરી મૂકે. તરછોડ શું ના કરે ? તરછોડથી તો બધું જગત ઊભું રહ્યું છે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ કે વેર છોડો, તરછોડ ના વાગે એવું ચાલો.
 
  
તન્મયાકાર વિનાનો વ્યવહાર
 
લગ્નના, વ્યવહારના પ્રસંગોય પતાવવાના છે, તે વ્યવહારથી હુંય પતાવું છું ને વ્યવહારથી તમેય પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી.
 
  
મતભેદ ના થાય તેવો વ્યવહાર
 
આપણે તો બધાને ફીટ થાય એવું રાખવું. મારે કોઈ જોડે મતભેદ નથી પડતો. મતભેદ પડ્યો ત્યાંથી જાણું કે મારી ભૂલ છે ને ત્યાં હું તરત જાગૃત થઈ જાઉં. તમે મારી સાથે ગમે તેટલું વાંકું બોલતા હો પણ એમાં તમારી ભૂલ નથી, ભૂલ તો મારી છે, સીધું બોલનારની છે. કારણ કે એ એવું કેવું હું બોલ્યો કે આને મતભેદ પડ્યો ! એટલે જગતને ‘એડજસ્ટ’ શી રીતે થાય એ જોવાનું.

અમારો વ્યવહાર સુંદર છે. આજુબાજુ પૂછવા જાવ, વાઇફને પૂછવા જાવ તો કહે કે એ તો ભગવાન જ છે ! તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે ‘તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય.’ મેં કહ્યું કે ‘ભઈ, તેં તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે !’ ત્યારે કહે કે ‘ના, નાનપણમાં એવા નહોતા. હમણે થયા છો.’ એટલે આ બધું પોતપોતાની સમજણથી છે. એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે જ કાચા છીએ પહેલેથી ! એટલે અથડામણ થાય જ નહીંને ! પેલાનેય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીં ને એને દુઃખેય થવાનું રહ્યું નહીં.
 
  
છતો વ્યવહાર
 
આ વ્યવહાર સ્વભાવથી જ ઊંધો છે, એનું નામ જ રીલેટિવ છે ! રીલેટિવ છે આ, એટલે શું કે કોઈકના આધારથી છે એવું કહે છે કે ‘હું જાઉં છું.’ હવે કયો આધાર ? ત્યારે કહે કે લોકો પણ એવું જ કહે છે કે ‘હું જાઉં છું’ એ આધાર છે, તેથી આપણે પણ કહીએ કે ‘હું જાઉં છું.’ પણ હવે આપણને એ આધાર જોઈતો નથી. આપણને બીજો આધાર જોઈએ છે કે ‘હું ખરેખર જતો નથી, ખરેખર તો ગાડી જાય છે.’ અમને કોઈ જગ્યાએ થાક જ નથી લાગતો. કેમ નથી લાગતો ? કારણ કે હું ક્યાં જઉં છું કે આવું છું ? ગાડીઓ જાય છે ને આવે છે પછી મને શેનો થાક લાગે ? આપણે છતો વ્યવહાર જાણતા થયા એટલે પછી ઊંધો વ્યવહાર કરે કોઈ ?
 
  
અલૌકિક વ્યવહાર
 
પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરોમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ?

દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીના દેરામાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકોય ના જાય. એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે. એની અમારી જવાબદારી હોય. લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવા અમારા રસ્તા હોય !
 
 
 
!!!  જય સચ્ચિદાનંદ  !!!
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s