અદભૂત-અલૌકિક વ્યવહાર, જ્ઞાનીનો !


જ્ઞાનીનો શુદ્ધ વ્યવહાર
 
પ્રશ્નકર્તા : શુભ વ્યવહાર અને શુદ્ધ વ્યવહાર, આમાં ફેર શું ?

દાદાશ્રી : શુભ વ્યવહાર તો અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે. કારણ કે જ્ઞાનીને શુભ વ્યવહાર કરવાનો
હોતો નથી, એની મેળે થઈ જાય અને પેલો એ કરે છે. અહંકાર ખરોને એટલે શુભ વ્યવહાર કરે. એટલે તમે છે તે એમને કહો કે તમે અમને નુકસાન કરો છો. મારે તમારી જોડે કામ નથી કરવું, તો પેલો ભઈ શું કહે ? નુકસાન થયું હોય તે ભૂલી જાવ પણ હવે નવેસરથી આપણું સારું કામ કરોને ! એટલે આપણે અશુભ કર્યું, પણ પેલો શુભ કરે છે. જ્યાં ચીઢાવાનું ત્યાં ચીઢાતો નથી ને ઊલટું આપણને વાળી લે છે. હમણાં અત્યાર સુધી જે થયું એ ભૂલી જાવ અને નવેસર જાણે કશું થયું ના હોય, કશું ગુનો ના કર્યો હોય, આવું ભૂલાડી દેને ? તો ગાડી આગળ ચાલે, નહીં તો ગાડી ઊભી રહે ડીરેલ થઈને. ડીરેલમેન્ટ થયેલા તમે જોયેલા બધા ? એટલે આ એ શુભ વ્યવહાર અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે છે. જ્ઞાનીને સહજભાવે થાય છે, અજ્ઞાનીને કરવું પડે છે.

શુદ્ધ વ્યવહાર એટલે શું ? આ ભઈ મારું અપમાન કરે છે, એ એમનો વ્યવહાર અશુદ્ધ છે. પણ મારે એમને શુદ્ધાત્મા ભાવે જોઈ અને એમની જોડે શુદ્ધ વ્યવહાર રાખવાનો. મારો વ્યવહાર ના બગડવા દેવો. કારણ કે એ જે ગાળ ભાંડતો હોય, એ જે કંઈ આ આવું અપમાન કરે છે એ પોતે નથી કરતો આ, આ મારા કર્મના ઉદયો એની મારફત નીકળે છે. માટે હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. એ તમે સમજી ગયાને ! હવે એ શુદ્ધાત્મામાં હોય યા ના પણ હોય, પણ એને શુદ્ધાત્મા તરીકે આપણે જોવો જોઈએ અને નિર્દોષ જોવો જોઈએ, એનું નામ શુદ્ધ વ્યવહાર. દોષિતનેય નિર્દોષ જોતાં આવડ્યું. બધું જગત જેને દોષિત કહે છે તેને આપણે નિર્દોષ જોઈએ એ એવી રીતે, પોતે શુદ્ધ છે ને સામો શુદ્ધ જ છે, એવી દ્રષ્ટિ જેની છે એ શુદ્ધ વ્યવહાર !

આ પાંચ આજ્ઞા પાળેને એ બિલકુલ શુદ્ધ વ્યવહાર. પાંચ આજ્ઞા એટલા માટે જ છે. આ ઉચિત વ્યવહાર છેને, તે શુદ્ધતાને પકડે એટલા માટે છે. અને આ પાંચ આજ્ઞા નથી પળાતી એ ઉચિત વ્યવહારમાં જાય છે. અમારો વ્યવહાર શુદ્ધની નજીકનો હોય, બિલકુલ. એને શુદ્ધ કહે તો ચાલે. પણ શુદ્ધની નજીકનો હોય, સહેજાસહજ.

પ્રશ્નકર્તા : ત્યારે પરફેક્ટ શુદ્ધ કેવો હોય ?

દાદાશ્રી : કિંચિત્માત્ર શબ્દથી પણ કોઈને નુકસાન ના થાય, મનથીય નુકસાન નહીં. મનથી નુકસાન તો તમેય નથી કરતા પણ શબ્દથી અને દેહથી નુકસાન ન કરે એ બિલકુલ શુદ્ધ વ્યવહાર.

પ્રશ્નકર્તા : ત્યારે તમે જે કહો છો, તમારો લગભગ શુદ્ધ, એ અને સંપૂર્ણ શુદ્ધ, બેનો તફાવત શું ?

દાદાશ્રી : આ કોઈ ફેરો અમે કહીએ છીએને, ચાર ડિગ્રી ઓછી, તે એનો ફેર પડે.
  
  
વ્યવહારમાં લઘુત્તમ, નિશ્ચયમાં ગુરુત્તમ
  
અમે તો (વ્યવહારમાં) લઘુતમ પુરુષ હોઈએ. અમારા કરતા નાનો દુનિયામાં બીજો કોઈ જીવ નથી. અને (નિશ્ચયમાં) ગુરુતમ છીએ અમે. અમારા કરતાં કોઈ ઊંચોય નથી. એવા લઘુતમ-ગુરુતમ પુરુષ કહેવાઇએ, જ્યાં આપણું કામ થઈ જાય.
  
  
લઘુતમ ભણતાં જડ્યા ભગવાન
 
નાનપણમાં ગુજરાતી સ્કૂલમાં એક માસ્તરે મને કહ્યું, ‘આ તમે લઘુતમ શીખો.’ ત્યારે મેં કહ્યું, ‘લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?’ ત્યારે કહે છે, ‘આ બધી રકમો જે આપી છે એમાં નાનામાં નાની રકમ, અવિભાજ્ય રકમ, જેને ફરી ભાગી ના શકાય એવી રકમ, એ શોધી કાઢવાની છે.’ ત્યારે હું તે વખતમાં નાની ઉંમરમાં, પણ માણસોને શું કહેતો હતો ? આ રકમો સારી નથી. શબ્દ તો એવો બોલતો હતો. તે મને આ વાત માફક આવી. એટલે મને એમ લાગ્યું કે આ ‘રકમો’ની અંદર પછી એવું જ છે ને ! એટલે બધામાં ભગવાન અવિભાજ્યરૂપે રહેલા છે.

એટલે ત્યારથી જ મારો સ્વભાવ લઘુતમ ભણી ઢળતો ગયો. તે લઘુતમ થયું નહીં પણ ઢળ્યો ખરો. પણ છેવટે લઘુતમ થઈને ઊભો રહ્યો. અત્યારે ‘બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આઈ એમ કમ્પ્લિટ લઘુતમ’ અને ‘બાય રીયલ વ્યૂ પોઈન્ટ આઈ એમ કમ્પ્લિટ ગુરુતમ.’ એટલે આ સંસારની બાબતોમાં, જ્યાં સુધી સંસારી વેશ છે, તે બાબતમાં હું લઘુતમ છું. એટલે આ લઘુતમની ‘થિયરી’ પહેલેથી ‘એડોપ્ટ’ થઈ ગયેલી (અપનાવેલી).
 
 
લઘુતમ-ગુરુતમ પદમાં જ્ઞાની
 
આ દુનિયામાં જેટલા જીવ છે, એમાં સૌથી નાનામાં નાનો હું છું. એ મારી ‘હાઈટ’ છે. પછી આ તમને કંઈ હરકત કરે એવું છે કશું ? એટલે આ ભૌતિકમાં, આ નામમાં-રૂપમાં-પૈસા-માન-તાન એ બધી બાબતમાં લઘુતમ અને આ બીજી હાઈટ એટલે સેલ્ફે (આત્માએ) કરીને અમે ગુરુતમ છીએ. એટલે ‘હોમ ડિપાર્ટમેન્ટ’માં અમે ગુરુતમ અને ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’માં લઘુતમ !

અમારું આ લઘુતમ સ્વરૂપ છે, એટલે લોકોનું કલ્યાણ કરી નાખશે. વ્યવહારથી લઘુતમમાં છું અને નિશ્ચયથી ગુરુતમમાં છું. હું કોઈનો ગુરુ થયો નથી. આખા જગતને ગુરુ તરીકે માનું છું. તમે બધા આવ્યા, તમને ગુરુ તરીકે માનું છું. ત્યારે કો’ક કહેશે, ‘તમે અહીં કેમ બેઠા ?’ હવે હું અહીં નીચે બેસું, તો આ લોકો બેસવા નથી દેતા. આ લોકો મને ઊઠાવીને ઉપર બેસાડે છે. બાકી, મને તો નીચે બેસવાનું બહુ સારું પડે છે. એટલે ગુરુપદમાં છું નહીં, લઘુતમમાં છું.

એટલે હું આ વ્યવહારમાં લઘુતમ છું અને નિશ્ચયમાં ખરી રીતે ગુરુતમ છું. મારો ઉપરી કોઈ નથી. ભગવાન પણ મને વશ થઈ ગયેલા છે. તો પછી હવે બીજું રહ્યું શું ?
  
  
!!!  જય સચ્ચિદાનંદ  !!!


 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s