અદભૂત-અલૌકિક વ્યવહાર, જ્ઞાનીનો !


આદર્શ વ્યવહારથી મોક્ષ
 
આદર્શ વ્યવહાર સિવાય કોઇ મોક્ષે ગયો નથી. મોક્ષે જવા આદર્શ વ્યવહાર જોઇશે. આદર્શ વ્યવહાર એટલે કોઇ પણ જીવને કિંચિત્ માત્ર દુઃખ ના થાય તે. ઘરના, બહારના, આડોશી-પડોશી કોઇને પણ આપણા થકી દુઃખ ના થાય તે આદર્શ વ્યવહાર કહેવાય.
 
આદર્શ વ્યવહારથી આપણાથી કોઇનેય દુઃખ ના થાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઇને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. આપણાથી કંઇ એની ભાષામાં ના જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડ-દેવડ વગેરેમાં વ્યવહાર છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા. કોઇનેય દુઃખ ના થવું જોઇએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું એનું નામ આદર્શ વ્યવહાર !
 
અમારા થકી કોઈનેય અડચણ થઈ હોય એવું બને નહીં. કોઈના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. અમને કોઈ અડચણ આપે ને અમે પણ અડચણ આપીએ તો અમારા ને તમારામાં ફેર શો ?
 
અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર હોય. જેના વ્યવહારમાં કોઇ પણ કચાશ હશે તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય.
 
પ્રશ્નકર્તા : જ્ઞાનીના વ્યવહારમાં બે વ્યક્તિ વચ્ચે ભેદ હોય ખરો ?
 
દાદાશ્રી : એમની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, વીતરાગતા હોય. એમના વ્યવહારમાં ભેદ હોય. એક મિલમાલિક ને તેનો ડ્રાયવર અહીં આવે તો શેઠને સામે બેસાડું ને ડ્રાયવરને મારી જોડે બેસાડું, એટલે શેઠનો પારો ઊતરી જાય ! અને વડાપ્રધાન આવે તો હું ઊઠીને એમનો આવકાર કરું ને એમને બેસાડું, એમનો વ્યવહાર ના ચૂકાય. એમને તો વિનયપૂર્વક ઊંચે બેસાડું અને એમને જો મારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું હોય તો મારી સામે નીચે બેસાડું. લોકમાન્યને વ્યવહાર કહ્યો અને મોક્ષમાન્યને નિશ્ચય કહ્યો, માટે લોકમાન્ય વહેવારને તે રૂપે ‘એકસેપ્ટ’ (સ્વીકાર) કરવો પડે. અમે ઊઠીને એમને ના બોલાવીએ તો તેમને દુઃખ થાય, તેની જોખમદારી અમારી કહેવાય.
 
સત્સંગમાંથી અમે ઘેર સમયસર જઇએ. જો રાત્રે બાર વાગે બારણું ખખડાવીએ તો એ કેવું દેખાય ? ઘરનાં મોઢે બોલે, ‘ગમે ત્યારે આવશો તો ચાલશે.’ પણ તેમનું મન તો છોડે નહીં ને ! એ તો જાતજાતનું દેખાડે. આપણાથી એમને સહેજ પણ દુઃખ કેમ અપાય ? આ તો કાયદો કહેવાય ને કાયદાને આધીન તો રહેવું જ પડે. (બે વાગે ઊઠીને ‘રિયલ’ની ભક્તિ કરીએ તો કોઇ કંઇ બોલે ? ના, કોઇ ના પૂછે.)
 

વ્યવહાર આદર્શ ત્યાં નિશ્ચય આદર્શ

ધર્મથીય મોક્ષ નથી ને અધર્મથીય મોક્ષ નથી, આદર્શ વ્યવહારથી મોક્ષ છે.
 
અમારો વ્યવહાર આદર્શ જ હોય. જગતે (બીજે ક્યાંય) જોયો ના હોય એવો અમારો વ્યવહાર હોય. અમારો વ્યવહાર મનોહર હોય. વર્તન પણ મનોહર હોય, વિનય પણ મનોહર હોય.
 
‘જ્ઞાની પુરુષ’ને સ્વ-પરનો વિવેક તો બહુ ઊંચામાં ઊંચો હોય. એમ સંસારી રૂપે છીએ છતાં પણ અમારો પાડોશી જોડે વ્યવહાર બહુ આદર્શ હોય. આદર્શ વ્યવહાર એટલે ભગવાને કહ્યું છે તેવો વ્યવહાર હોય, ભગવાને કહેલામાં એક મીનમાત્ર ફેરફાર ના હોય. અમારે ફક્ત આ કપડાં સિવાય બીજો કોઈ ફેરફાર ના હોય. જ્યાં આદર્શ વ્યવહાર છે ત્યાં આગળ બધું કામ થાય. વ્યવહાર આદર્શ વગર કોઈ દહાડોય નિશ્ચય આદર્શ થાય નહીં. જ્યારે ભક્તો વ્યવહારમાં બહુ કાચા હોય. વ્યવહાર એમનો ચોખ્ખો ના હોય અને જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. વ્યવહારને ખસેડીને કોઈ છે તે આત્મા પામેલો નહીં. અને જે પામવાની વાતો કરે છે એ છે તે શુષ્કજ્ઞાન છે. તરછોડ્યો એટલે રહ્યું જ ક્યાં ? નિશ્ચય ક્યાં રહ્યો ?
 
 
આવો હોય આદર્શ વ્યવહાર
  
આદર્શ વ્યવહાર એટલે આજુબાજુ પાડોશમાં પૂછો, ઘરમાં પૂછો, ‘એની વ્હેર'(ગમે ત્યાં) ક્યાંય પણ પૂછો, તો અમારો વ્યવહાર આદર્શ હોય. ઘરમાં, સ્ત્રી (પત્ની) જોડે, સગાંવહાલાંમાં બધે કોઈ જગ્યાએ કોઈને દુઃખદાયી ના હોય એવો વ્યવહાર હોય, નહીં તો પછી એ તો નિશ્ચય જ કેમ પામ્યો છે ? વ્યવહાર આદર્શ જોઈએ. અને નહીં હોય તો આદર્શ એનો ધ્યેય હોવો જ જોઈએ ! જેટલો વ્યવહાર આદર્શ એટલો નિશ્ચય પ્રગટ થવા માંડ્યો.
 
અમારો વ્યવહાર સુંદર હોય. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. આજુબાજુ પૂછવા જાવને તો બધાય કહેશે, કોઈ દહાડો એ લડ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એવું બધા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ? મારે ઘેર વાઈફને પૂછવા જાવ તો કહે કે એ તો ભગવાન જ છે ! અરે, એ તો અમારાં દર્શન હઉ કરે. અહીં પગે માથું અડાડીને દર્શન કરે. વ્યવહાર આદર્શ-શુદ્ધ લાગે, પછી શું ભાંજગડ છે ? વ્યવહાર આપણો આદર્શ હોવો જોઈએ. વ્યવહાર જ બરોબર ના હોય તો એને શું કરવાનું ? લોકો ખુશ થઈ જાય એવો વ્યવહાર જોઈએ.
 
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં વાક્ય છે, કે ”જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કામ કરતું હશે ? ‘પોતે’ ખસી જાય તો અંતઃકરણથી આત્મા જુદો જ છે.” એ સમજાવો.
 
દાદાશ્રી : એ અંતઃકરણ એક બાજુ સંસાર કાર્ય કરે અને એક બાજુ આત્મા આત્માનું કાર્ય કરે. ‘જ્ઞાની’ને ડખોડખલ હોય નહીં.
અંતઃકરણ કોને કહેવાય કે જેમાંથી કર્તાભાવ ઉત્પન્ન થાય છે, ‘હું કંઈક કરું છું’ એ ભાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃકરણથી ‘જ્ઞાની’ જુદા હોય.
 
 
!!!  જય સચ્ચિદાનંદ  !!!


 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s