નિષ્પક્ષપાતી ત્રિમંદીર…..


જ્યાં સુધી ઘરમાં મતભેદ હોય તો ઘરમાંય કોઈને શાંતિ ના રહે, તેવું આ દુનિયામાં જ્યાં સુધી ધર્મના મતભેદો છે ત્યાં સુધી દુનિયામાં શાંતિ રહે જ નહીં. મતભેદથી દુઃખી થયેલા જીવો પ્રત્યે જ્ઞાની પુરુષને અત્યંત કરૂણા હોય કે કેમ કરીને દુઃખોમાંથી આ જીવો છૂટે. સંસારના તમામ દુઃખોથી છૂટકારો થાય તેના કોડ જ્ઞાનીના હ્રદયમાં દિન-રાત વર્ત્યા કરતા હોય અને એમની પાસે વિઝન ખુલ્લું થઈ ગયું હોય કે શું કરવાથી જીવનમાં સુખી થઈએ અને ધીમે ધીમે મોક્ષમાર્ગને પામીએ.

પરમ પૂજ્ય દાદા ભગવાને જગત કલ્યાણના મહાન યજ્ઞમાં એક ક્રાંતિકારી સ્ટેપ લીધું. ધર્મમાં મતભેદ મટે તે માટે હિન્દુસ્તાનના મુખ્ય ત્રણ ધર્મોના મંત્રોને એકીકરણ કરી નિષ્પક્ષપાતી ત્રિમંત્ર લાખો માણસોના હ્રદયમાં ગૂંજતા કરી દીધા. જોડે જોડે ત્રિમંદિરની સ્થાપના કરી મતભેદની દ્રષ્ટિ નિર્મૂળ કરી દીધી.

મૂળ તત્ત્વ સ્વરૂપે જોતાં શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી શિવ ભગવાનમાં ભેદ જ નથી, પ્રગટ આત્મસ્વરૂપી જ છે. આ તો વ્યવહાર દ્રષ્ટિએ લોકોએ ભેદ પાડી દીધાં છે અને એટલું જ નહીં પણ ‘અમે સાચાં, તમે ખોટાં’ કરી નાખ્યું છે. આ તો શેના જેવી વાત છે કે એક જ કોલેજના બાળમંદિરથી લઈને પી.એચ.ડી. સુધીના બધા ધોરણ હોય તો તેમાં કયું ધોરણ ખોટું ને કયું ધોરણ સાચું ? બધા ધોરણો સાચા છે પણ સરખા નથી. બધાં ધોરણોમાં તમામ વિદ્યાર્થીઓને જોડે ના બેસાડાય. તેવી રીતે વીતરાગ ધર્મના જુદા જુદા ધોરણો સમાન તમામ ધર્મો છે. પ્રત્યેક ધર્મ આગળના ધર્મને હેલ્પિંગ છે. કોઈ ધર્મ ખોટો નથી. તમામ ધર્મો એની જગ્યાએ સાચા છે અને તે અમુક લેવલના લોકો માટે જરૂર જ છે. પણ ભૂલ ક્યાં થાય છે કે અમારો સીલેબસ (ક્રિયાકાંડો-શાસ્ત્રો) સાચો, અમારા ટીચર સાચા, અમારા વિદ્યાર્થીઓ સાચા, બીજાનું ખોટું એમ કરીને પોતાના ગ્રુપ પર રાગ કરે છે, પારકાં માન્યા છે ત્યાં દ્વેષ કરે છે. આમ ધર્મમાં મતભેદ ઊભાં થઈ ગયાં છે. તેના દુનિયામાં દુઃખો છે. અંતિમ લક્ષ ‘વીતરાગ’ થવાનું છે એ તો છેવટે બધા ધર્મો સ્વીકારે જ છે. વ્યવહાર ધર્મમાં ય નિષ્પક્ષપાતી દ્રષ્ટિ થશે તો અંતરશાંતિ વધશે. તેનો માર્ગ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની રચનાથી મોકળો થયો.

ત્રિમંદિરમાં મૂળ નાયક શ્રી સીમંધર સ્વામી ભગવાન છે, એક બાજુ જુદા મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાન છે, બીજી બાજુ જુદા મંદિરમાં શ્રી શિવ ભગવાન છે. આ બધા ભગવાનની મહત્વતા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનના શ્રીમુખે નીકળેલી જ્ઞાનવાણીમાં જે પ્રાપ્ત થઈ છે તે પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે, જે વાચકને નિષ્પક્ષપાતી ભાવના જગાવી, મૂળ પુરુષોની મહત્વતા સમજી મોક્ષમાર્ગ પામવાને ઉપકારી થશે એ જ અભ્યર્થના.simandhar-swami

એટલે આ નિષ્પક્ષપાતી ધર્મ છે. આખો અવસર્પિણીકાળ ગયો. અત્યાર સુધી તો મતાર્થમાં ચાલ્યા ! ભગવાન મહાવીરનું શાસન છે, ત્યાં સુધી જ ધર્મ છે. પછી ધર્મનો અંશ રહેવાનો નથી, મંદિર- પુસ્તક કશું જ રહેવાનું નથી. માટે અઢાર હજાર વર્ષ જો ચેતી જાય અને મતાર્થમાંથી છૂટી જાય અને ઋષભદેવ ભગવાને જેવું નિષ્પક્ષપાતી વલણ કહ્યું હતું, એવું નિષ્પક્ષપાતી વલણ પાછું થાય, તો લોકોનું કલ્યાણ થાય ! સહુ સહુના દેરાં જુદાં રાખે, પણ મંત્રો તો બધાનાં ભેગાં બોલવા જોઈએ. કોઈ કોઈને સામસામી વેર-ઝેર ના હોવાં જોઈએ. મંત્રો ભેગા બોલે એટલે બધું પહોંચી ગયું. આપણા મનમાં જુદાઈ નથી, તો કશું જુદું છે જ નહીં.

એટલે આ ત્રણેય મંદિરો ભેગાં થાય એટલે હિન્દુસ્તાનમાંથી મતાર્થ ઊડી જાય તો શાંતિ થાય ! આ શક્કરિયું ભરહાડમાં મૂક્યું હોય તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. એવું આ લોક ચોગરદમથી બળી રહ્યું છે. તું અમદાવાદમાં, મુંબઈમાં, જા તો ખરો ! અહીં તો ઓછું બફાયેલું છે. અહીં મોહરાજાનું બળ જરા ઓછું છે, તેથી ઓછું બળે. ત્યાં તો મોહરાજાનું બળ જો તો ખરો ! માછલાં તરફડે એમ લોક તરફડી રહ્યું છે, કરોડો રૂપિયા હોવા છતાં ! એટલાં માટે આ ઉપાય છે. તમને આમાં કશો વાંધો લાગે છે ? તમે પણ આમાં તમારો મત આપશો ને ? તમારો રાજીપો આપશો ને ?

પ્રશ્નકર્તા : હા. હવે સીમંધર સ્વામી સાથે કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન પણ મૂક્યા છે ! સીમંધર સ્વામી તો વીતરાગ ગણાય ને ?

દાદાશ્રી : હા, વીતરાગ જ ગણાય અને પેલાં ય છે તે શલાકા પુરુષો છે. સીમંધર સ્વામી તો હયાત છે. એમનો લાભ તો જુઓ ! એમનો લાભ તો આખું જગતે ય લે. બધાંય લાભ લેવાનાં અને કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ કહેવાય. નરમાંથી નારાયણ થયેલા હતા એ. એ ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણાય અને પાછાં આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે. એમને જે ના માને, તે તો જૈન જ ના કહેવાય ને ! ત્રણ પ્રકારના તીર્થંકરોના દર્શન કરવાનો અધિકાર છે. ભૂતકાળના તીર્થંકરો, ભૂત તીર્થંકરો કે જે ચોવીસ થઈ ગયા છે, એમના પણ દર્શન કરવા જોઈએ. કારણ કે એમનાં શાસન દેવ-દેવીઓ કામ કરી રહ્યાં છે અને આ અક્રમ માર્ગ તો નિમિત્ત છે. એમાં શાસન દેવ-દેવીઓ જ કામ કરી રહ્યાં છે. હું તો નિમિત્ત બની ગયો છું. કોઈ વરરાજા જોઈએ કે ના જોઈએ ? આ સીમંધર સ્વામી એ વર્તમાન તીર્થંકર છે. એમને માટે તો હિન્દુસ્તાનમાં કોઈ જીવને રાગ-દ્વેષ નથી.

 દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.

સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.

જય સચ્ચિદાનંદ.

Advertisements

2 comments on “નિષ્પક્ષપાતી ત્રિમંદીર…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s